દર્શન ઠક્કર, જામનગર: શહેરમાં પીસીસી ગ્રુપ દ્વારા ઓપન ગુજરાત નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ફાઈનલ મેચ પહેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ બેટિંગ કરીને ક્રિકેટ પ્રેમીઓને ઉત્સાહ વધાર્યો હતો.
ADVERTISEMENT
આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી ટીમોએ ભાગ લીધો હતો. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેની ફાઇનલ મેચમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ ટોસ ઉછાળી બેટિંગ કરી હતી. જેની તસ્વીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.રિવાબાએ ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા અને ઉત્સાહ વધારવા માટે બેટિંગ કરી હતી. રિવાબાને ક્રિકેટ રમતા જોઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાજ્યની 64 ટીમે લીધો ભાગ
પી.સી.સી. કપ 2023 ઓપન રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ 3 માર્ચથી પ્રદર્શન ક્રિકેટ ગ્રાઉન્ડમાં શરૂ થઈ હતી. જેમાં ગુજરાતભરમાંથી 64 ટીમોએ ભાગ લીધો હતો. જેની ફાઇનલ મેચ રાજ શક્તિ (રીબડા) અને વછરાજ ઇલેવન પોરબંદર વચ્ચે રમાઈ હતી. આ મેચ ખુબ રસાકસી ભરી જોવા મળી હતી. છેલ્લા બોલ સુધી ક્રિકેટ રસીકો ગ્રાઉન્ડ પર નજર હટાવી શક્યા ન હતા. અંતિમ બોલે માત્ર ત્રણ રને રાજશક્તિ રીબડા ઇલેવનની ટીમ વિજેતા થઈ હતી. આ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ યુટ્યૂબ ઉપર લાઈવ બતાવવામાં આવી હતી. જેનો લાભ રાજ્યભરના ક્રિકેટ રસિકોએ લીધો હતો.
આ પણ વાંચો: ટેન્કર ચાલકે કારને હાઈવે પર 500 મીટર સુધી ઢસડી, Video સોશિયલ મીડિયા પર વાયરલ
દેશભરના ખેલાડી આવ્યા હતા રમવા
આ ટૂર્નામેન્ટમાં દેશભરમાંથી ખેલાડીઓ જામનગરમાં રમવા આવ્યાં હતા.પંજાબ, જમ્મુ કાશ્મીર, મુંબઈ, દિલ્હી, કોલકાત્તા સહિતના રાજ્યોમાંથી જામનગરમાં મેચ રમવા માટે ખેલાડીઓ આવ્યાં હતા. આ ટૂર્નામેન્ટને લઈ દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટૂર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન કરનાર વછરાજ ઇલેવન પોરબંદરના ક્રિકેટર વીરુભા વાઘેલાને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યાં હતા. જ્યારે પંજાબથી આવેલા ખેલાડી કરણ અંબાલા બેસ્ટ બેસ્ટમેન રહ્યા હતા. તેમજ ગીર તલાલાથી ખેલાડી અસ્પાક રબાડા બેસ્ટ બોલર રહ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT