ગાંધીનગર: બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં એક સપ્તાહ પૂર્વે આયોજિત અટલ ભુજળ જનયોજના અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્નોની વાંચા આપનાર ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને સ્થાનિક ધારાસભ્ય કેશાજી ચૌહાણના ટેકેદારે થપ્પડ મારવાના બહુચર્ચિત પ્રકરણમાં ન્યાયની માંગણી સાથે ન્યાયયાત્રા યોજાઈ છે. હવે ખેડૂતોના સમર્થનમાં રાકેશ ટીકેત પણ સમર્થન આપવા આવી રહ્યા છે.
ADVERTISEMENT
રાકેશ ટિકેત દ્વારા વીડિયો સંદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તેઓ 10મી તારીખથી ગાંધીનગર આવવા નીકળેલી ખેડૂતોની ન્યાય યાત્રામાં સમર્થન આપવા માટે આવવાની વાત કરી છે. રાકેશ ટિકેત 18મી ઓગસ્ટે ગાંધીનગર આવશે. વીડિયોમાં તેઓ બોલે છે કે, ખેડૂતોનો 18મી ઓગસ્ટે ગાંધીનગરમાં એક પ્રોગ્રામ છે, તેમાં અમે પણ જઈશું. જ્યાં પણ સત્તારૂઢ પાર્ટી છે, ત્યાં લોકો બંધનોમાં છે. ગુજરાતમાં લોકોને બોલવાની આઝાદી નથી.
શું હતો મામલો?
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ત્રણ દિવસ અગાઉ દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત અધિકારીઓની હાજરીમાં અટલ ભુજલ યોજનાને લઈ એક બેઠક મળી હતી અને જે બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતોને બોલાવાયા હતા. જોકે આ બેઠક પૂર્ણ થઈ તે બાદ ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીને કોઈ શખ્સએ બોલાચાલી કરી લાફો મારતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોએ સમગ્ર જિલ્લાના ખેડૂત આલમમાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો. જોકે આ વીડિયોને લઈને ખેડૂતો દ્વારા આક્ષેપો કરાયા છે કે ખેડૂત આગેવાન પર હુમલો કરનાર શખ્સ દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણનો સમર્થક હતો અને તે બાદ ખેડૂતો દ્વારા ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ થઈ રહી છે.
ADVERTISEMENT