લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ રાજકીય હસ્તીઓમાં ગણગણાટ અને સળવળાટ વધી રહ્યો છે. લોકસભા માટે કયા મુરતીયાઓના નામ જાહેર થાય છે તેની પ્રજાને પણ આતુરતા હોય છે. અનેક ઉમેદવારો હાલ ખાંડા ખખડાવી રહ્યા છે. જો કે તેમાં સૌથી મહત્વના ગણાતા સૌરાષ્ટ્રમાં ભાજપ જુના જોગીઓના શરણે જાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજકોટ અથવા તો પોરબંદરથી ચૂંટણી લડાવવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં અસંતોષ ખાળવા માટે નીતિન પટેલને મહેસાણા સીટ પરથી ઉતારવામાં આવે તેવી શક્યતાઓ મહત્તમ છે.
ADVERTISEMENT
બંન્ને દિગ્ગજોની સંગઠનમાં મજબુત પકડ
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ સરકારમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જેવા મહત્વના પદો પર રહી ચુકેલા આ બંન્ને દિગ્ગજ નેતા સંગઠનમાં મજબુત પકડ ધરાવે છે. આ ઉપરાંત કોરોના બાદ અસંતોષ ખાળવા માટે આખી સરકાર બરખાસ્ત કરી દેવાયા બાદ પેદા થયેલા અસંતોષને ખાળવા માટે અને સંગઠનને શાંત કરવા માટે આ બંન્ને દિગ્ગજોને લોકસભામાં ઉતારાય તેવી શક્યતા છે. કાલે મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને સી.આર પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.
ભાવનગરથી ભારતીબેન અને માંડવીયા વચ્ચે રસાકસી
આ બેઠકમાં આ બંન્ને દિગ્ગજોના નામ પર મહોર વાગી ગઇ હોય તેવું સુત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત ભાવનગરથી હાલના કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને ઉતારવામાં આવે તેવી શક્યતા છે. જો કે આ સ્થિતિમાં ભારતીની ટિકિટ કપાય તો નવાઇ નહી. ભારતી બેન કોળી સમાજમાંથી આવતા હોવાના કારણે તેઓને અવગણવા પણ મુશ્કેલ છે કારણ કે તેઓ સંગઠનમાં પણ મજબુત પકડ ધરાવે છે. બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત ઉમેદવાર ઉમેશ મકવાણા ન માત્ર કોળી છે પરંતુ પોતાના કામના કારણે આ વિસ્તારમાં તેણે સારુ કાઠુ કાઢ્યું છે.
ભાવનગરમાં ભાજપ સૌથી નબળી હોવાનો ઉલ્લેખ
હાલમાં જ થયેલા એક લેટેસ્ટ સર્વે અનુસાર ભરૂચ અને ભાવનગરમાં ભાજપ સૌથી નબળી છે. તેવામાં માંડવીયા પર ભાજપ જુગાર રમે છે કે પછી તેમને પડતા મુકે છે તે જોવું રહ્યું. આ ઉપરાંત અમરેલી સીટ પરથી નારણ કાછડીયાના બદલે પરષોતમ રૂપાલા ફાઇનલ માનવામાં આવી રહ્યા છે. હાલ રૂપાલા કૃષી મંત્રાલય સંભાળી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્રમાં મજબુત પકડ ધરાવે છે. તેઓ ગોહીલવાડ, વાળાંક અને કાઠીયાવાડમાં કોળીવોટ પણ કબ્જે કરી શકે તેવા સમર્થ હોવાથી અમરેલીમાં તેઓ ફાઇનલ મનાઇ રહ્યા છે.
ADVERTISEMENT