Rajkot Game Zone Incident: 25 મે, 2024ને શનિવારે સાંજે બનેલી એક દુર્ઘટનાથી આખું ગુજરાત હચમચી ઉઠ્યું. રાજકોટના ગેમ ઝોન (Rajkot Game Zone)માં સર્જાયેલી દુર્ઘટનામાં 28 જેટલા લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં. આ આગમાં લોકો ભયાનક રીતે બળી ગયા છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. એક બાદ એક મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. એક પછી એક અર્થી ઉઠતા પરિવારજનોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. ત્યારે 15 દિવસ પહેલા જ TRP ગેમ ઝોનમાં નોકરીએ લાગેલા સુનિલભાઈ આગમાં ફસાયેલા લોકોને બચાવવા જતાં પોતે કાળનો કોળીયો બન્યા હતા. જેમની અંતિમયાત્રામાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. પરિવારને રડતા જોઈને અંતિમયાત્રામાં જોડાયેલા તમામ લોકોની આંખો ભરાઈ ગઈ હતી.
ADVERTISEMENT
15 દિવસ પહેલા જ લાગ્યા હતા નોકરીએ
મળતી માહિતી અનુસાર, રાજકોટના એરપોર્ટ રોડ પર રહેતા સુનિલભાઈ સિદ્ધપુરા (ઉં.વ.38) આગકાંડના 15 દિવસ પહેલા જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે નોકરીએ લાગ્યા હતા. પરંતુ તેમને સપનામાં પણ નહીં ખબર હોય કે અહીંની જમીન તેમને ભરખી જશે. ગત 25 તારીખે લાગેલી આગ બાદ ટીઆરપી ગેમ ઝોનમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં આગમાં ફસાયેલા લોકોને માનવતા દાખવીને સુનિલભાઈ બચાવવા અંદર જ રહ્યા. આ દરમિયાન પોતે આગની ઝપેટમાં આવી ગયા.
આ પણ વાંચોઃ રાજકોટ TRP કાંડઃ સત્યપાલસિંહ જાડેજાની અંતિમયાત્રામાં હિબકે ચડ્યું ગોંડલ, પરિવારજનોનું હૈયું કંપાવી મૂકે તેવું આક્રંદ
મૃતદેહ પરિવારને સોંપાયો
ગાંધીનગર ખાતે તેમના DNA સેમ્પલ મેચ થતાં તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. ઘરે મૃતદેહ આવતા જ પરિવારજનો મૃતદેહને વળગીને રડી પડ્યો હતો. જેને જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. સુનિલભાઈનો મૃતદેહ જોઈને લોકોના હૃદય કંપી ઊઠ્યા હતા.
આ પણ વાંચોઃ Gujarat Tak Exclusive: રાજકોટ અગ્નિકાંડના ભયાનક CCTVના દ્રશ્યો આવ્યા સામે, જુઓ આ દર્દનાક VIDEO
અંતિમયાત્રામાં દરેકની આંખો ભીની થઈ ગઈ
ઘરે વિધિ કરાયાબાદ તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રામનાથપરા સ્મશાન ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતકના પરિવારજનોનું કહેવું છે કે, અમે અમારો સ્વજન ગુમાવ્યો છે. અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. આ દુઃખદ ઘટના છે. આવી ઘટના બનવી ન જોઈએ. લોકોને બચાવવા જતાં અમારો સુનિલ પોતે મૃત્યુ પામ્યો છે.
ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ
ADVERTISEMENT