Rajkot Gamezone Fire Updates: રાજકોટ TRP અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 28 જેટલા લોકોના દુઃખદ અવસાન થયા છે. જોકે, હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગે અનેક પરિવારનો માળો વીંખી નાંખ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અગ્નિકાંડમાં કેનેડાથી આવેલા એક યુવક તેની થનાર પત્ની અને સાળીનો પણ ભોગ લેવાયો હોવાનું કહેવામાં આવી રહ્યો છે. યુવક-યુવતીના ટૂંક સમયમાં જ લગ્ન થવાના હતા, જોકે બંન્ને લગ્નના તાંતણે બંધાય તે પહેલાં જ બંન્નેનું દુઃખદ મૃત્યુ નીપજ્યું છે. સાથે જ સાળીનું પણ અવસાન થયું છે.
ADVERTISEMENT
ડિસેમ્બરમાં થવાના હતા ધામધૂમથી લગ્ન
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ રાજકોટના અર્જુન પાર્કમાં રહેતો અને હાલ કેનેડામાં અભ્યાસની સાથે નોકરી કરતા અક્ષય ઢોલરિયા (ઉં.વ 24)એ મેઘાણીનગરમાં રહેતી ખ્યાતિ સાવલિયા (ઉં.વ 20) સાથે અઠવાડિયા પહેલા જ ધામધૂમથી સગાઈ થઈ હતી. બંનેને જ્ઞાતિના રિવાજ મુજબ ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા. તો બંન્નેએ કોર્ટ મેરેજ તો કરી લીધા હતા.
લગ્ન પહેલા જ નીપજ્યું મૃત્યુ
તેમના સંબંધીના જણાવ્યા અનુસાર, અક્ષય 10 દિવસ પહેલા જ કેનેડાથી પરત આવ્યો હતો. અક્ષય, ખ્યાતિ અને અક્ષયની સાળી હરિતા ગઈકાલે TRP ગેમ ઝોનમાં પહોંચ્યા હતા. જ્યાં ત્રણેયના મૃત્યુ નીપજ્યા છે. ખ્યાતિ અને હરિતાના માતા-પિતાએ DNA સેમ્પલ આપી દીધા છે. જ્યારે અક્ષયના પિતા કિશોરભાઈ અને માતા હીનાબેન USAમાં રહે છે. જેઓ રાજકોટ આવવા માટે નીકળી ગયાં છે. તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી DNA સેમ્પલ આપશે.
28 જેટલા લોકોના નિપજ્યાં છે મોત
રાજકોટવાસીઓને અને ગુજરાતના તમામ સંવેદનશીલ નાગરિકોને ક્યારેય નહીં ભૂલાય. એ ગોઝારા દિવસે સાંજે રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનમાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર નિર્દોષ બાળકો સહિત 28 લોકોનાં કરુણ મોત નિપજયા છે.
6 આરોપીઓ સામે નોંધાયો ગુનો
રાજકોટની ગેમઝોનનની ગોઝારી દુર્ઘટનામાં યુવરાજસિંહ, પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. IPCની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે.
ADVERTISEMENT