રાજકોટ અગ્નિકાંડઃ સપ્ટેમ્બર 2023માં લાગી હતી આગ...માલિકોએ અધિકારીઓના ખીસ્સા ભર્યા...SITના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

Rajkot TRP Game Zone Fire: રાજકોટના TRP અગ્નિકાંડમાં 27 જેટલા લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરાયા બાદ તેમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તો સસ્પેન્ડેડ અધિકારીઓના ઘરે અને ઓફિસે ACBએ તપાસ હાથ ધરી છે.

Rajkot TRP Game Zone fire

SITના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

follow google news

Rajkot TRP Game Zone Fire: રાજકોટના TRP અગ્નિકાંડમાં 27 જેટલા લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરાયા બાદ તેમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તો સસ્પેન્ડેડ અધિકારીઓના ઘરે અને ઓફિસે ACBએ તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસ ભવન ખાતે આજથી પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર પોલીસ ભવન પહોંચ્યા હતા. આઈએએસ, 3 આઈપીએસની ડીજીપી તબક્કાવાર પૂછપરછ હાથ ધરાઈ છે. તત્કાલિન તમામ ટોચના અધિકારીઓને પણ પોલીસે તેડું મોકલ્યું છે. આ વચ્ચે હવે TRP ગેમ ઝોન અગ્નિકાંડનો કેસનો પ્રાથમિક રિપોર્ટ SITએ સરકારને સોંપ્યો છે. SITના પ્રાથમિક રિપોર્ટમાં અનેક મોટી બેદરકારીઓ સામે આવી છે.

સપ્ટેમ્બર 2023માં પણ લાગી હતી આગ

TRP ગેમ ઝોન અગ્નિકાંડ રોકી શકાયો હોત, TRP ગેમ ઝોનમાં સપ્ટેમ્બર 2023માં પણ આગ લાગી હતી. મવડી ફાયર બ્રિગેડની ટીમ આગ બુઝાવવા માટે પણ ગઈ હતી. ત્યારે પણ વેલ્ડિંગના કારણે જ આગ લાગી હતી, ત્યારે ફાયર વિભાગે TRP ગેમ ઝોન સામે કેમ કોઈ કાર્યવાહી ન કરી? સાથે જ TPO શાખાએ જૂન 2023માં બાંધકામ તોડી પાડવાની નોટિસ પણ આપી હતી, પરંતુ બાંધકામ તોડી ન પડાયું અને માલિકોએ કાયદેસર પણ ન કર્યું, ત્યારે માલિકો દ્વારા અધિકારીઓના ખિસ્સા ભરવામાં આવ્યા હોય તેવી પૂરી શક્યતા છે.

જવા-આવવા માટે હતી માત્ર એક જ સીડી

SITના પ્રાથમિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ મામલે 4 અધિકારીઓની ભૂમિકા સામે આવતા ધરપકડ કરવામાં આવી છે, ગેમ ઝોનમાં પહેલા માળે જવા આવવા માટે એક માત્ર 4 ફૂટની લોખંડની સીડી હતી, દરવાજો બંધ થઈ જતાંએ સીડી પરથી નીકળવું અશક્ય થઈ જતાં વધુ લોકોના મોત થયા છે.

CCTV ફૂટેજ પણ આવ્યા હતા સામે

TRP ગેમ ઝોનમાં પ્રથમ માળે બોલિંગ અને ટ્રેમ્પોલીન ગેમ્સ રમાતી હતી, આ એક માત્ર સીડીનો વીડિયો પણ સામે આવ્યો છે, આ ઉપરાંત નીચેના માળે વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી અને બાજુમાં ફોમ શિટનો થપ્પો લાગેલો હતો તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. 

મોટા અધિકારીઓની માત્ર બદલી કરીને કર્યો દેખાડોઃ કોંગ્રેસ

આપને જણાવી દઈએ કે, આ મામલે કોંગ્રેસે કહ્યું છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા ગોઝારા અકસ્માતને અકસ્માત નહીં પરંતુ હત્યાકાંડ ગણવો જોઈએ. આ એક વ્યવસ્થિત આયોજનપૂર્વકનું ગુનાહિત બેદરકારીનું કૃત્ય હતું. જે પ્રમાણે સરકારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને મોટા અધિકારીઓને માત્ર બદલી કરીને દેખાડો કર્યો છે તે મુખ્ય આરોપીઓને બચાવવા માટે થઈને કાર્યવાહી થઈ રહી હોય એમ લાગી રહ્યું છે જો સરકાર એમ સ્વીકારતી હોય કે અધિકારીઓ IAS-IPS ઓફિસર દોષિત હોવાથી તેમની બદલી કરવામાં આવી છે તો શા માટે તેમનું નામ એફઆઈઆરમાં લખીને ગુનો દાખલ કરીને તેમની અટકાયત નથી કરવામાં આવતી.


'મોટા માથાને બચાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ'

કોગ્રેસે કહ્યું કે, સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ રાજકોટ ટીઆરપી કાંડમાં મુખ્ય આરોપી ધવલ ઠક્કર એ માત્ર મોહરું છે. જેની અમદાવાદમાં સીટીએમ પાસે સાઇકલ રીપેરીંગ અને પંચરની દુકાન હતી અને થોડા વર્ષોથી રાજકોટ રહેવા ગયેલ હતો. આ વ્યક્તિ રાજકોટમાં ભાડાના ઘરમાં રહે છે તો કરોડોના રોકાણ કરાવી ધવલ કોર્પોરેશન ઉભા કર્યા હોય શકે તે વિચારની બાબત છે. રાજકોટમાં સલૂન- સ્પામાં નોકરી કર્યા પછી TRP માં 14 હજારના પગારે નોકરી કરતો હતો પણ મૂળ માલિકે એગ્રીમેન્ટ સાઈન કરાવી લીધેલ અને મોટાભાગનું કામ ધવલના નામે ચલાવવામાં હતું. એક દુકાન અપાવી દેવાની લાલચે સહી કરાવ્યા પછી દુકાન ન અપાવતા નામ બદલવાની અને પોતાને મુક્ત કરવાની વાત કરી તો અસલ માલિકે એમ કહેલું કે એમાં 10-15 લાખનો ખર્ચો થાય, ત્યારબાદ નામ ન બદલતા તે ધવલના નામ પર જ ચાલું રહ્યું.

મૃતકોની યાદી

1. જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.34)
2. સ્મિત મનીષભાઈ વાળા (ઉ.22)
3. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.21)
4. સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.30)
5. આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.19)
6. હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.20)
7. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.36)
8. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.24)
9. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.22)
10. નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.19)
11. જયંત અનિલભાઈ ઘોરેચા (ઉ.45)
12. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.12)
13. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.40)
14. દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.12)
15. રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.15)
16. નિરવ રસીકભાઈ વેકરીયા (ઉ.20)
17. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.25)
18. વિવેક અશોકભાઈ દુસારા (ઉ.28)
19. ટીશા અશોકભાઈ મોડાસિયા (ઉ.24)
20. કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉ.22)
21. ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉ.28)
22. ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.24)
23. હરિતા રતિભાઈ સાવલિયા (ઉ.25)
24. મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.30)
25. પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉ.45)
26. મોનુ કેશવ ગૌંડ (ઉ.21)
27. અક્ષય કિશોરભાઈ ઢોલરીયા (ઉ.28)


ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ

    follow whatsapp