ગીર સોમનાથ: 21મી સદીના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધામાં લોકો ઠગાઈનો ભોગ બની રહ્યા છે. ગીર સોમનાથમાં લોકોને ફસાવીને પૈસા પડાવતી તાંત્રિક ટોળકીનો પર્દાફાશ થયો છે. તાંત્રિક પૈસાની જરૂર હોય તેવા લોકોને છેતરીને તેમને છેતરતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના પૂજારી પણ આ ઠગાઈમાં ભોગ બન્યા અને 15 લાખ ગુમાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. પૂજારીની ફરિયાદ બાદ LCBએ ઠગ તાંત્રિક ટોળકીનો પર્દાફાશ કર્યો હતો અને પાસેથી નકલી ખોપડી, સાપ, મોબાઈલ તથા 6.46 લાખ રોકડા, 21 તોલા સોનું સહિત 19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ADVERTISEMENT
રૂપિયાનો ઢગલો કરવાની વાતથી પૂજારીને ફસાવ્યો
તાંત્રિક ટોળકીનો પર્દાફાશ કરતા એસ.પી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા રાજકોટમાં રહેતા પૂજારી હરકિશન ગૌસ્વામીએ આશ્રમ બનાવવા માટે પૈસાની જરૂરિયાત હોતી. તેમણે આ અંગે વાત કરતા અલ્તાફ સમાએ કહ્યુ હતુ કે, તાલાલાના પાણીકોઠા ગામે રહેતા મુસબાપુને સાક્ષાત માતાજી આવે છે અને તે 500 કરોડ રૂપિયાનો ઢગલો કરી દેશે. તેના માટે વિધિ કરવી પડશે. તેના માટે હરકિશન બાપુને પાણીકોઠા ગામે મુસબાપુની વાડીએ લઈ ગયા હતા. ત્યાં રાતના મુસાબાપુએ વિધી ચાલુ કરી હતી.
વિધિમાં કાળા પકડા પહેરેલો વ્યક્તિ પ્રગટ થતા પૂજારીને થયો વિશ્વાસ
જેમાં વિધિ દરમિયાન અચાનક એક કાળા કપડાં પહેરેલો વ્યક્તિ પ્રગટ થયો. આ વ્યક્તિ માતાજી હોવાનું જણાવીને મુસાબાપુએ કહ્યુ કે, માતાજીને પ્રસન્ન કરવા માટે સાડા પાંચ લાખ રૂપિયાનું કામરૂ અથવા પુસ્કર દેશનું તેલ મંગાવું પડશે. જેના માટે તમે થોડા દિવસો માટે પૈસા વ્યાજે લઈ લો પછી હું તમને પૈસાનો ઢગલો કરી દઈશ તેમાંથી તમે પરત આપી દેજો. વાતમાં આવી ગયેલા પૂજારીએ તેમના બહેન અને સેવકો પાસેથી રકમ એકત્ર કરીને કટકે કટકે 15 લાખ જેવી રકમ તાંત્રિક વિધિ કરવા અને તેની સામગ્રી લેવા માટે મુસાબાપુને આપી હતી. વિધિ દરમિયાન પૂજારીને વાડીના એક રૂમમાં ભોંયરામાં રાખેલી લાખોની રકમ બતાવી અને કહ્યું ‘આવી જ રીતે રાજકોટ તમારા ઘરે વિધિ કરવાથી પૈસાનો ઢગલો થશે’ તેમ કહી વિશ્વાસમાં લઇ લીધા હતા.
નકલી પોલીસની એન્ટ્રી બાદ ખેલ ખૂલ્યો
બાદમાં મુસાબાપુ, અલ્તાફ તથા પૂજારા હરકિશન રાજકોટમાં તેમના ઘરે વિધિ કરવા જતા હતા. રસ્તામાં સાદા કપડા પહેરીને બે નકલી પોલીસકર્મીઓએ કારને ચેકિંગ માટે રોકી. જેમાં 3 લાખ રોકડા અને ખોપડી મળી આવી. નકલી પોલીસે મુસાબાપુને ઝડપી લીધો અને પૂજારી હરકિશનને ભગાડી દીધો. થોડા દિવસો બાદ મુસાબાપુએ પૂજારીને ફોન કર્યો કે પોલીસથી માંડ છૂટ્યો છું, માતાજી હવે નારાજ થઈ ગયા છે એટલે વિધિ નહીં થાય.’ જેથી પૂજારીને શંકા જતા તેણે છેતરપિંડીની ઘટના અંગે પોલીસમાં લેખિત અરજી આપી હતી. તેની તપાસમાં 10 તાંત્રિકની ટોળકીનો પર્દાફાશ થયો છે.
ADVERTISEMENT