Rajkot News: એક તરફ સરકાર બાળકોના શિક્ષણ પર ભાર મૂકી રહી છે. બાળકોને ભણતર તરફ વાળવાનો પ્રયાસો કરી રહી છે. તો બીજી બાજુ છાશવારે સ્કૂલમાં શિક્ષકો દ્વારા બાળકો પાસે કામ કરાવવાના અથવા બાળકને માર મારવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે રાજકોટમાંથી આવો એક જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટ તાલુકાના મઘરવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો અને બાળકો પાસે પ્રિન્સિપાલની ગાડી સાફ કરાવવામાં આવતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. જે બાદ તંત્ર પર અનેક સવાલો ઉઠ્યા છે. જોકે, આ વીડિયો ક્યારનો છે તેના વિશે અમને સ્પષ્ટ જાણકારી મળી નથી અને અમે આ વીડિયોની પુષ્ટી કરતા નથી.
ADVERTISEMENT
અભ્યાસના બદલે મજૂરી!
રાજકોટ તાલુકાના મઘરવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવાનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં નાના ભૂલકાઓ પાસે તગારા અને પાવડા સાથે કામ કરાવવામાં આવી રહ્યું છે. ભૂલકાઓ પાવડાથી કપચીને તગારામાં નાખી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઠાલવી રહ્યા છે.
પ્રિન્સિપાલની ગાડી પણ સાફ કરાવવામાં આવી
તો અન્ય એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, શાળાના બાળકો પાસે ગાડી સાફ કરાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ શાળાના પરિસરમાં ઉભેલી એક ગાડીને સાફ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓ પાસે પ્રિન્સિપાલની ગાડી સાફ કરાવવામાં આવી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું માતા-પિતા પોતાના લાડકવાયાઓને અહીં મજૂરી કરવા માટે મોકલે છે? બાળકો પાસે અભ્યાસને બદલે કામ કેમ? વિદ્યાર્થીઓ પાસે તગારા અને પાવડાથી આ રીતે કામ કરાવવું કેટલું વ્યાજબી છે?
કોંગ્રેસ નેતાએ DPEOને કરી રજૂઆત
શાળાઓના તમામ કામો જેમ કે સાફ-સફાઈ-લેબર વર્ક જેવા અનેક કામો માટે સરકાર ગ્રાન્ટો આપે છે, છતાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે આ ખૂબ જ શરમજનક છે. આ મામલે કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે કડક કાર્યવાહી કરવા રાજકોટ DPEOને રજૂઆત કરી છે.
આ ખૂબ જ શરમજનક બાબત કહેવાયઃ કોંગ્રેસ નેતા
આ મામલે કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે કહ્યું કે, વિદ્યાર્થીઓ પાસે બાળમજૂરી કરાવવી ગુનો છે તેવા પાઠ શિક્ષકો ભણાવે છે પરંતુ અનેક શાળાઓ આ રીતે બાળકોનુ શોષણ અને અત્યાચાર કરે છે કલંકિત બાબત કહેવાય.
પંચમહાલમાં પણ કરાવાયું હતું વિદ્યાર્થીઓ પાસે કામ
આપને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ શાળામાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવ્યું હોય, આ અગાઉ પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ પહેલા પણ પંચમહાલના ઘોઘંબાની જોરાપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ શાળાના વિદ્યાર્થીઓ પાસે જીવના જોખમે શાળાની છતના પતરાની સાફ સફાઈ કરાવવામાં આવી રહી હતી.
ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ
ADVERTISEMENT