નિલેશ શિશાંગિયા/ રાજકોટ: યુવાનોમાં અચાનક વધી રહેલા હાર્ટ એટેકના બનાવોએ ચિંતા વધારી દીધી છે. રાજકોટમાં એકબાદ એક ક્રિકેટ રમતા યુવાનોના હાર્ટ એટેકથી મોત થવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે રવિવારે વધુ એક વ્યક્તિએ ક્રિકેટના મેદાનમાં જીવ ગુમાવ્યો છે. શાસ્ત્રી મેદાનમાં રવિવારની રજામાં મિત્રો સાથે ક્રિકેટ રમતા મયુર મકવાણાનું અચાનક નિધન થઈ જતા મિત્રો અને પરિવારના સભ્યો ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. છેલ્લા અઢી દિવસમાં આ રીતે 6 યુવાનો મોતને ભેટ્યા છે.
ADVERTISEMENT
રવિવારની રજા હોવાથી ક્રિકેટ રમવા ગયો હતો
વિગતો મુજબ, 45 વર્ષના મયુરભાઈ રવિવારની રજા હોવાથી શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા. દરમિયાન ક્રિકેટ રમતા રમતા જ તેઓ નીચે ઢળી પડ્યા. મિત્રો તેમને બચાવવા દોડ્યા અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ખાસ વાત એ છે કે મૃતક મયુર ભાઈને કોઈજાતની બિમારી કે વ્યસન નહોતું એવામાં અચાનક હાર્ટ એકેટ આવતા પરિવાર અને મિત્રો આઘાતમાં સરી પડ્યા છે. મયુરભાઈ સોની કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
ક્રિકેટ રમતા રમતા ગભરામણ થઈ અને ઢળી પડ્યો
મૃતક મયુરભાઈના મામાએ જણાવ્યું કે, મયુર નિયમિત ક્રિકેટ રમવા જતો હતો. તેને કોઈ બીમારી કે વ્યસન નહોતું. આજે ક્રિકેટ રમતા તેને થોડી ગભરામણ થઈ હતી. આથી તે સ્કૂટર પર બેસી ગયો અને બાદમાં અચાનક ઢળી પડ્યો હતો. એટલે મિત્રોએ 108ને જાણ કરી હતી. જોકે નજીકની હોસ્પિટલ પહોંચતા જ મયુરભાઈને સિવિલ લઈ જવા કહેવાયું હતું. આથી તેમને સિવિલ લઈ જવાયા જ્યાં પહોંચતા જ તેમનું મોત થઈ ગયું.
ADVERTISEMENT