રાજકોટઃ શનિવારે મુશળધાર વરસાદના પગલે રાજકોટની સરકારી હોસ્પિટલમાં પાણી ભરાયા હતા. વોર્ડમાં દાખલ દર્દીઓના બેડ સુધી પાણી પહોંચતા દર્દીઓ ત્રસ્ત થઈ ગયા હતા. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. તેવામાં શનિવારે રાજ્યમાં ઠેર ઠેર સાંજના સમયે વાદળો ઘેરાઈ ગયા હતા. ત્યારપછી અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. વળી રાજકોટમાં તો 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ADVERTISEMENT
ઈમરજન્સી વોર્ડ જળબંબાકાર
રાજકોટની સરકારી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પાણી ભરાઈ જતા જોવાજેવી થઈ હતી. આ દરમિયાન દર્દીઓના બેડ સહિત અન્ય કાઉન્ટરો પણ પાણીમા ગરકાવ થઈ ગયા હતા. જેના પરિણામે ઈમરજન્સી વોર્ડમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. નોંધનીય છે કે થોડા સમય પછી આ હોસ્પિટલોનું પાણી ઓસરી ગયું હતું.
શહેરના વીઆઇપી વિસ્તારોમાં પણ પાણી ભરાયા
શહેરના 150 ફૂટ રિંગરોડ અને સાધુ વાસવાણી રોડ પર ગોઠણસમા પાણી ભરાવાને કારણે અનેક વાહન ચાલકો ફસાયા હતા. ટુ વ્હીલર ચાલકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. અનેક 4 વ્હીલરો પણ ફસાયા હતા. શહેરના રામાપીર ચોકડી, માધાપર ચોકડી, શીતલ પાર્ક, મવડી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
રાજકોટમાં અનેક વાહન ચાલકો ફસાયા
ભારે વરસાદના પગલે રાજકોટના પડધરી તાલુકાના ડોડી ડેમના 4 દરવાજા ખોલી નાખવાની ફરજ પડી હતી. ડેમમાં પાણીની સતત આવકના કારણે ડેમ ખોલવા પડ્યાં હતા. ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા ગામડાઓ પાંભર ઇટાળા, લક્ષ્મી ઇટાળા, નાના ઇટાળા અને હિદળ ગામના લોકોએ નદીના પટમાં અવર જવર નહી કરવા અને સાવચેત રહેવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.
With Input: Nilesh Shishangiya
ADVERTISEMENT