Rajkot TRP GameZone Fire: રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે. ગત 25 મેના રોજ સાંજના 5.30 વાગ્યાની આસપાસ રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. આ દુર્ઘટનામાં રાજકોટમાં વેકેશનની મજા માણતા 12 બાળકો સહિત 27 લોકોની જિંદગી ભૂંજાઈ ગઈ હતી. આ દુર્ઘટના બાદ મૃતકોના પરિવારજનોમા માતમ ફેલાયો હતો. આ દુર્ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા હતા. આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી હતી. આ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયા બાળકોને ગુમાવનારા માતા-પિતા અને પોતાના સ્વજનોને ગુમાવનારા પરિવારજનોની આંખોમાંથી હજુ પણ આંસુ સુકાઈ રહ્યા નથી. તમામની એક જ માંગ છે કે તેમને ન્યાય આપવામાં આવે અને જવાબદાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવે.
ADVERTISEMENT
આજે રાજકોટ સજ્જડ બંધ
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે. આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આજે રાજકોટનો ધર્મેન્દ્ર રોડ, પરાબજાર સજ્જડ બંધ છે. આજે રાજકોટની બજારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ત્યારે આ એક મહિના શું-શું થયું ચાલો જાણીએ...
એક મહિના શું-શું થયું?
- 25 મે 2024- સાંજના સમયે TRP ગેમ ઝોનમાં આગ લાગી હતી.
- 25 મે 2024 - સમગ્ર મામલે તપાસ માટે તત્કાલિન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે SITની રચના કરી.ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઇ
- 25 મે 2024 - રાજ્ય સરકારે સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં (SIT) તપાસ કમિટીની રચના કરી.
- 25 મે 2024 - રાત્રિના 1 વાગ્યા બાદ DNA માટે સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવ્યું.
- 29 મે 2024 - આરોપી યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડની ધરપકડ કરી કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માગ સાથે રજૂ કરવામાં આવ્યા હતા.
- 30 મે 2024 - આરોપી પ્રકાશ જૈનના મૃતદેહને અમદાવાદના એલિસબ્રિજ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો.
- 30 મે 2024 - ભીખા ઠેબા, મનસુખ સાગઠીયા, ઈલેશ ખેર તેમજ PGVCLના ઈજનેરને પુછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચનું તેડું આવ્યું હતું.
- 31 મે 2024 - રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારી જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું. તેને લઈને ચારેય અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. એમાં રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ (ટાઉન પ્લાનિંગ ઓફિસર) મનસુખ સાગઠિયા, એટીપીઓ (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર) મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરાઈ હતી. 31 તારીખે ચારેય આરોપીને 14 દિવસના રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 2 તારીખે કમિશનર દ્વારા મનસુખ સાગઠિયા અને એટીપીઓ મુકેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
- 6 જૂન 2024- રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણી દ્વારા આજથી છ મહિના પૂર્વે ટીઆરપી ગેમ ઝોનને ઇમ્પેક્ટ ફી ભરી રેગ્યુલરાઇઝ કરાવવા માટે ગેમ ઝોનના સંચાલક પ્રકાશ જૈન અને યુવરાજ સોલંકીની આર્કિટેક્ટ નીરવ વરુ સાથે મુલાકાત કરાવી હોવાનું સ્વીકાર્યું હતું
- 6 જૂન 2024 - મનપાના ડે. ચીફ ફાયર ઓફિસર સામે એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ ફરિયાદ નોંધી હતી. રાજકોટ મનપાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે અપ્રમાણસર મિલકતની એસીબીએ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી.
- 7 જૂન 2024 - ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણીની પૂછપરછ કરવામાં આવી હતી.
- 7 જૂન 2024 - કોંગ્રેસે પીડિતોને ન્યાય અપાવવા 3 દિવસ ધરણા કર્યા.
- 8 જૂન 2024 - ભીખા ઠેબાને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા.
- 9 જૂન 2024 - મનસુખ સાગઠીયા સામે વધુ એક પોલીસ ફરિયાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ. પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા મિનિટ્સ બુકની ખોટી માહિતી દર્શાવી હતી, જેને લઈ આઇપીસી કલમ 465, 466, 471, 474 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
- 10 જૂન 2024 - ગેમઝોનના 3 સંચાલક અને 1 મેનેજર સહિત કુલ 4 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તમામને કોર્ટમાં રજૂ કરી બાદમાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ધકેલવામાં આવ્યા હતા.
- 11 જૂન 2024 - ભીખા ઠેબા જેલ હવાલે થતા સસ્પેન્ડ કરવામાં આવ્યો. અશોકસિંહ જાડેજા કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરાયા.
- 16 જૂન 2024 - રાજકોટ મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા અને જયદિપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી
- 18 જૂન 2024 - મનસુખ સાગઠીયાને ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવા કેસમાં રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાયો.
- 19 જૂન 2024 - મનસુખ સાગઠીયા સામે એસીબીમાં ફરિયાદ નોંધાઈ
- 22 જૂન 2024 - ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિર ભીખા ઠેબા અને વેલ્ડિંગ કામનું સુપરવિઝન કરનાર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી.
- 23 જૂન 2024 - હાઇકોર્ટની સૂચના પ્રમાણે રાજ્ય સરકાર દ્રારા IAS અધિકારી અશ્વિનીકુમારની અધ્યક્ષતામાં સિનિયર IAS અધિકારીની સત્ય શોધક કમિટી તૈયાર કરી.
- આ કેસમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઇન્ટ પોલીસ કમિશનર વિધી ચૌધરી, ડેપ્યુટી પોલીસ કમિશનર સુધીર દેસાઇની તાત્કાલિક અસરથી બદલી કરાઇ. લાયન્સ બ્રાન્ચમાં ગેમઝોનને લાયસન્સ આપેલ બે પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
રિપોર્ટઃ રોનક મજીઠિયા, રાજકોટ
ADVERTISEMENT