નિલેશ શિશાંગીયા/રાજકોટ: રાજકોટમાં ટ્રાફિક પોલીસ જવાન અને બાઈક સવાર વચ્ચે માથાકુટ થયાનો મામલો સામે આવ્યો છે. ગુસ્સે થયેલા યુવકે લાકડી લઈને હેડ કોન્સ્ટેબલને માર માર્યો હતો. ત્યારે સામે આવેલા વીડિયોમાં બાદમાં પોલીસ હાથમાં પથ્થર લઈને યુવક પાછળ દોડતા જોવા મળી રહ્યા છે. સમગ્ર મામલે બે યુવકો સામે પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
વિગતો મુજબ, રાજકોટ શહેરના ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ લખન જવાન ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન ત્યાંથી પસાર થતા યુવક સાથે બોલાચાલી થતા યુવકે લાકડી લઈને હેડ કોન્સ્ટેબલને માર માર્યો હતો. જ્યારે બાદમાં કોન્સ્ટેબલ હાથમાં પથ્થર લઈને યુવકની પાછળ દોડે છે અને તેને પકડી લે છે. જોકે ઘટનામાં કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાંથી ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ લખન સુસરાએ જણાવ્યું હતું કે, ગઈકાલે હું મારી ફરજ પર હતો. બે યુવકો બાઈક પર સિગ્નલ તોડીને જતા હતા. મેં તેમને અટકાવીને જરૂરી દસ્તાવેજો માગ્યા જે તેમની પાસે નહોતા. આથી મેં દંડ ભરવા કહ્યું તો તે ઉશ્કેરાઈ ગયા અને ગાળો આપીને નજીકમાં પડેલા ધોકા વડે માર માર્યો હતો. સમગ્ર મામલે યુવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT