નિલેશ શિશાંગિયા/રાજકોટ: બાગેશ્વર સરકાર નામથી દેશભરમાં જાણીતા બનેલા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો ગુજરાતમાં દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં આગામી દિવસોમાં યોજાનારા તેમના કાર્યક્રમ પહેલા જ વિવાદ થઈ રહ્યો છે. આ વચ્ચે રાજકોટના એક પરિવારે દાવો કર્યો છે કે, તેમના 15 વર્ષના બાળકને આંચકીની બીમારી હતી અને તેને બાગેશ્વરધામ લઈ ગયા હતા. જ્યાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કહેવાથી દવા બંધ કરી. જે હવે બાળકની તબિયત લથડી અને હાલમાં તે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ છે.
ADVERTISEMENT
બાબાના કહેવાથી દવા બંધ કરી હતી
વિગતો મુજબ, રાજકોટમાં એક બાળકને આંચકીની તકલીફ હતી. જેથી બાળકને તેની બહેન અને માતા મધ્ય પ્રદેશના છતરપુરમાં આવેલા બાગેશ્વરધામમાં લઈને પહોંચ્યા હતા. પરિવારના કહેવા મુજબ, અહીં ધીરેન્દ્ર શાસ્ત્રીના કહેવાથી દવા બંધ કરી નાખી અને બાદમાં બાળકની તબિયત વધારે લથડી ગઈ હતી. બાળકની તબિયત વધારે ખરાબ થતાં બાળકના પિતા અને બહેન મીડિયા સમક્ષ આવ્યા હતા. અંધશ્રદ્ધાનો વિષય સામે આવતા તંત્ર પણ દોડતું થયું છે. હવે પરિવારે પોતાની ભૂલ સ્વીકારી છે અને દવા બંધ કરવા ના બદલે જો દવા ચાલુ રાખી હોત તો આંચકીની તકલીફ વકરી ન હોત.
હાલમાં વેન્ટિલેટર પર છે બાળક
બાળકની બહેને આ અંગે જણાવ્યું હતું કે, તેની દવા મહિનાથી બંધ હતી, અત્યારે એ વેન્ટીલેટર પર છે અને સીરિયસ કન્ડીશનમાં છે. બાબાએ માથા પર હાથ ફેરવીને ભભૂતી આપી હતી અને કહ્યું હતું કે આ ભભૂતી રોજ લગાવો એટલે સારું થઈ જશે અને દવા બંધ કરી નાખો. અમે ત્યાં બાગેશ્વર ધામમાં 3થી 4 દિવસ રોકાયા હતા.
બાળકના પિતાને હજુ બાબા પર ભરોસો
જ્યારે બીજી તરફ બાળકના પિતાએ હજુ પણ બાબા પર પોતાનો વિશ્વાસ યથાવત રાખ્યો છે. તેમનું કહેવું છે, મરણ-જીવન ભગવાન પર છે. ત્યાં આપણી શ્રદ્ધા હતી એટલે ગયા હતા. મારી પત્નીએ એની મરજીથી દવા બંધ કરી દીધી હશે. મેં એને કહ્યું હતું બાબાનો આશીર્વાદ લેવાનો અને દવા ચાલુ રાખવાની.
ADVERTISEMENT