શક્તિસિંહ રાજપુત/અંબાજી: શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લી ગિરિમાળાઓમાં પહાડોમાં આવેલું જગતજનની જગદંબા મા અંબાનું પ્રાચીન અને પૌરાણિક તીર્થ સ્થળ છે. અંબાજી મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિર હાલમાં 61 ફૂટ સુધી સુવર્ણ મંદિર બનવા પામેલ છે અને આ મંદિરમાં અંદાજે 140 કિલો કરતાં વધુ સોનાનો ઉપયોગ થયેલ છે. સ્વતંત્રતા દિવસના પર્વે રાજકોટના માઈભક્ત દ્વારા અંબાજી મંદિરમાં 558 ગ્રામ સોનું સુવર્ણ શિખર માટે ભેટ સ્વરૂપે અર્પણ કરાયું.
ADVERTISEMENT
અંબાજી મંદિર ખાતે માઈ ભક્તો અલગ અલગ પ્રકારે દાન પણ કરતા હોય છે. ત્યારે રાજકોટના માઇ ભક્તે સુવર્ણ શિખર માટે દાન કર્યું હતું. અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સુવર્ણ શિખર માટે દાન આપવામાં આવેલા સોનાનો સ્વીકાર કરાયો હતો.
રાજકોટ ખાતે રહેતા અને વર્ષોથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા આવતા માઈ ભક્ત દ્વારા આજે 558 ગ્રામ સોનું જે બિસ્કીટ સ્વરૂપે તેઓ લઈને આવ્યા હતા. જેની કિંમત 33 લાખ 48 હજાર કિંમત થાય છે. અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા ભેટ સ્વરૂપે આવેલા સોનાને મંદિરમાં માતાજી સમક્ષ પૂજન કરવા લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સોનાને સ્ટ્રોંગ રૂમમાં જમા કરવામાં આવ્યું હતું.
રાજકોટના અન્ય માઇ ભક્તો દ્વારા અંબાજી મંદિરના શિખર ઉપર ધજા પણ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાત મ્યુનિસિપાલટી ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, અમે અવારનવાર માતાજીના દર્શન કરવા આવ્યા છીએ અને દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ. આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના પર્વે અંબાજી મંદિરના દર્શન કર્યા અને મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી.
ADVERTISEMENT