રાજકોટ: ગુજરાતમાં નાની ઉંમરમાં યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે, એવામાં લોકોમાં ભારે ચિંતા છે. તાજેતરમાં ગુરુપૂર્ણિમાના દિવસે બે યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા હતા, હવે ફરી એકવાર એક દિવસમાં રાજકોટ અને દ્વારકામાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત થયા છે. 21 અને 26 વર્ષના બે યુવકોના નાની ઉંમરે જ હાર્ટ એટેકથી મોત થઈ જતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ADVERTISEMENT
રાજકોટનો કેટરર્સનો ધંધો કરતા યુવકનું ઊંઘમાં મોત
રાજકોટમાં ભાવનગર રોડ પર આવેલા મહિકા ગામે શિવ કેટરર્સનો ધંધો કરતા 21 વર્ષના મોહિત મોલિયા નામના પટેલ યુવકને બુધવારે વહેલી સવારે બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતા આજી ડેમ પોલીસ યુવકના ઘરે જઈને પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે યુવક મંગળવારે રાત્રે પોતાના કામેથી મોડા આવ્યો અને આવીને ઊંઘી ગયો હતો. સવારે તેના દાદી તેને ઉઠાડવા માટે ગયા, પણ તે ઉઠ્યો જ નહીં. આથી તેમણે પરિવારને જાણ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને મોહિતને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલમાં યુવકના પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ સામે આવી શકે છે.
ખંભાળિયામાં મિસ્ત્રી કામ કરતા યુવકનું મોત
અન્ય એક ઘટનામાં દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલા ધરમપુરમાં રહેતો 26 વર્ષના પ્રવીણ કણજારિયાનું મિસ્ત્રીકામ કરતા સમયે હાર્ટ એટેક આવતા પિતાની નજર સામે જ ઢળી પડ્યો હતો. આથી યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રવીણીની સગાઈ થઈ હતી અને દિવાળી બાત તેના લગ્ન થવાના હતા, જોકે આ પહેલા જ તેનું કરુણ મોત થતા પરિવારજનો શોકમાં સરી પડ્યા હતા.
ADVERTISEMENT