ગુજરાતમાં ફરીવાર મેઘો મુશળધાર: લુણાવાડામાં દે..ધનાધન વરસાદ, અમદાવાદમાં પણ જામ્યો વરસાદી માહોલ

Gujarat Rain Update: ગુજરાતમાં ફરી મેઘરાજા એક્ટિવ થયા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગઈકાલ રાતથી મેઘરાજા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધડબડાટી બોલાવી રહ્યા છે.

Gujarat Rain Update

ગુજરાતમાં ફરીવાર મેઘો મુશળધાર

follow google news

Gujarat Rain Update: ગુજરાતમાં ફરી મેઘરાજા એક્ટિવ થયા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગઈકાલ રાતથી મેઘરાજા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધડબડાટી બોલાવી રહ્યા છે. તો આજે વહેલી સવારથી અમદાવાદ, ખેડા, લુણાવાડા સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સવારના 4 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં લગભગ સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે શહેરના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે, રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. લોકોની દુકાનો-ઘરોમાં પણ વરસાદી પાણી ઘુસી ગયા છે.

લુણાવાડાના રસ્તાઓ પર પાણી ભરાયા 

લુણાવાડામાં ભારે વરસાદ પડતા શહેરના વરધરી રોડ, ગોળ બજાર, માંડવી બજાર, હાટડીયા બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો સાડા પાંચ ઈંચ જેટલા વરસાદના કારણે લોકોની દુકાનોમાં પાણી ઘુસી ગયા છે. રસ્તાઓ પણ પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે, વાહનચાલકોને પસાર થવું મુશ્કેલી બન્યું છે.

અમદાવાદમાં પણ જામ્યો વરસાદી માહોલ

અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. શહેરના એસ.જી હાઈવે, ગોતા, ન્યૂ રાણી, મોટેરા, ચાંદખેડા, થલતેજ, પ્રહલાદનગર, બોડકદેવ, જોધપુર, આનંદનગર, એસપી રિંગ રોડ પર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 

નોકરી-ધંધે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા

વહેલી સવારથી વરસાદ પડતા નોકરી-ધંધે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. , ધોધમાર વરસાદને કારણે રસ્તા પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. જેને કારણે વાહનચાલકોને વાહનોમાં હેડલાઈટ ચાલુ કરીને જવાની ફરજ પડી છે.

આજે ક્યા વિસ્તારોમાં છે આગાહી?

હવામાન વિભાગ દ્વારા જે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા અને સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 


 

    follow whatsapp