ગાંધીનગર: રાજ્યમાં ચોમાસું જામ્યું છે આ સાથે જ વરસાદી માહોલ પણ છવાયો છે. ત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અવિરત મેઘમહેર ચાલુ છે. દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વલસાડ જિલ્લાના કપરાડામાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ભારે વરસાદને પગલે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
ગુજરાતમાં વરસાદનું જોર સતત વધી રહ્યું છે. ત્યારે છેલ્લા 2 કલાક દરમિયાન રાજ્યના 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં સવા 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવ તાલુકામાં પોણો પોણો ઈંચ અને 13 તાલુકામાં અડધો અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તરગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતો માછીમારોને ચાર દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાનને જોતા સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી સહિત ભાવનગર અને વલસાડમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના સાત જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, તો છ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે.
છેલ્લા 24 કલાક દરમિયાન અહી પડ્યો 5 ઇંચથી વધુ વરસાદ
- વલસાડના કપરાડામાં સવા 10 ઈંચ વરસાદ
- દ્વારકાના ખંભાળીયામાં સાડા 8 ઈંચ વરસાદ
- જૂનાગઢના વિસાવદરમાં આઠ ઈંચ વરસાદ
- વલસાડના પારડીમાં સાડા છ ઈંચ વરસાદ
- વડોદરામાં પાંચ ઈંચ વરસાદ
ઝોન વાઇઝ વરસાદ
આ વર્ષે રાજ્યમાં સરેરાશ 63.22 ટકા વરસાદ વરસ્યો છે. ત્યારે બીજી તરફ કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ 119.90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર માં 92.02 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 49.82 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં 55. 97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. પૂર્વ- મધ્ય ગુજરાતમાં 49.02 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર)
ADVERTISEMENT