મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છ-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાણી પાણી

અમદાવાદ : રાજ્યમાં હાલ વરસાદની બીજો તોફાની રાઉન્ડ શરૂ થઇ ચુક્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગામી બે દિવસ…

Rain in Gujarat

Rain in Gujarat

follow google news

અમદાવાદ : રાજ્યમાં હાલ વરસાદની બીજો તોફાની રાઉન્ડ શરૂ થઇ ચુક્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગામી બે દિવસ પણ રાજ્યના અનેક પંથકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. પાટણના સાંતલપુરમાં 6 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. કચ્છમાં પણ વહેલી સવારથી જ મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. અબડાસામાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. સવારે 6 થી 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં 218 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

અબડાસાના મોટીબેરમાં 8 થી 10 મકાનોના નળિયા અને પતરા ઉડી ગયા હતા. નરેડી ગામની નદી ગાંડીતુર થતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. જ્યારે વડગામમાં વીજળી પડતા બે પશુઓના મોત નિપજ્યાં હતા.

મોરબી તાલુકના ખેવારીયાથી નારણકા જવાના રસ્તે કોઝવે પરથી બાઇક લઇને પસાર થઇ રહેલા દંપત્તીનું બાઇક પાણીમાં તણાયું હતું. જેમાં મહિલાને સ્થાનિકોએ બચાવી હતી. જો કે પુરૂષ તણાઇ ગયો હતો. જેની હાલ શોધખોળ ચાલી રહી છે. સાંજે નવ વાગ્યા સુધી કોઇનો પત્તો મળ્યો નથી. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના કલાણા, ભાડેથી, પાટણવાવ ગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું સર્જન થયું છે. સવારના 8થી સાંજે 8 વાગ્યા સુધીમાં ધોધમાર 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

રાજકોટ જિલ્લાનો ફોફળ ડેમ ભારે વરસાદના કારણે ભરાઇ ગયો હોવાની હેઠવાસમાં આવતા જામકંડોરણા તાલુકાના દુધીવદર, ઇશ્વરીયા, તરવડા ગામ તેમજ ધોરાજી તાલુકાના વેગડી સહિતના ગામોના નીચાણવાળા વિસ્તારોમાં અવર જવર નહી કરવા માટે સુચના આપવામાં આવી હતી.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદર-2 ડેમ પાસે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ લગભગ ભરાઇ ગયો હોવાથી ડેમના 6 દરવાજા 3 ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા. ભાદર-2 ડેમના હેઠવાસમાં આવતા તમામ તાલુકાઓને એલર્ટ રહેવા માટે પણ સુચના આપવામાં આવી છે.

લખપત તાલુકાના મોટી છેર ગામે દીવાલ ધરાશાયી થતા ત્રણ બાળકો દટાયા હતા. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ગામના સચિયાર માતાજીના મંદિર પાસેની શેરીમાંથી વરસતા વરસાદ વચ્ચે મંદિરના દીવાલની ઓથે જઇ રહેલા નવલસિંહ હઠેસિંહ સોઢાનું (ઉ.વ 6) મોત થયું હતું. જ્યારે અન્ય બે બાળકો જયવીરસિંહ વિજયસિંહ સોઢા (ઉ.વ 7) અને દક્ષાબા પીરદાન સિંહ સોઢાને ઇજા થઇ હતી.

    follow whatsapp