ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગઃ જુઓ Video/Photo કેવી છે સ્થિતિ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને આગામી 5 દિવસ વરસાદ સટાસટી બોલાવી દે તેવી બેટિંગ કરવાનો હોવાની પણ આગાહી હવામાન વિભાગ તરફથી જાણવા…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને આગામી 5 દિવસ વરસાદ સટાસટી બોલાવી દે તેવી બેટિંગ કરવાનો હોવાની પણ આગાહી હવામાન વિભાગ તરફથી જાણવા મળી રહી છે. ત્યારે આજે સવારથી જ ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, ખેડા, વલસાડ સહિત લગભગ મોટા ભાગના ગુજરાતમાં વરસાદ પડ્યો છે.

વલસાડમાં સૌથી વધુ વરસાદ
વલસાડ જિલ્લામાં વરસાદ ૠતુ શરૂ થઇ હોવાનું માનવું પડશે આવું કહેવા પાછળનો હેતુ એ હતો કે ઉમરગામમાં વરસાદ પડતા પાલીકા વિસ્તારમાં પાણી ભરવાનનું શરૂ થઈ ગયું હતું. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રાત્રી દરમ્યાન 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પ્રથમ સારા વરસાદના કારણે ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જોકે બીજ પહેલાં જ વરસાદે ઉમરગામ નગરપાલિકાની પ્રીમોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. ઉમરગામના જાહેર રસ્તા પર પાણી ભરાયા જેમાં ગાંધી વાડી અને પાવર હાઉસ વિસ્તારમાં પાણી ભરાઇ જતા વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા. અહીં સુધી કે કેટલાક પરિવારોના તો ઘરમાં પણ પાણી ઘૂસી જતા તેમના માલસામાનને ઘણું નુકસાન થયું છે.

108 એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ
અમરેલીના લીલિયા ખાતે વરસાદી માહોલ સર્જાયો હતો. જોકે વરસાદ પડતા લીલિયા ખાતે થયેલા કાદવામાં એક 108 એમ્બ્યુલન્સ વાન અટવાઈ ગઈ હતી. લીલિયાની પટેલ છાત્રાયલય પાસે એવો કાદવ કીચડ થયો હતો કે તેમાં એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. હાર્ટ એટેકના દર્દીને લઈને આ વાન હોસ્પિટલ જવા નીકળી હતી. જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કાદવમાં ફસાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે અહીં નબળા પાઈપલાઈનના કામને કારણે ખાડામાં 108 અટવાઈ ગઈ હતી. આખરે દર્દીની હાલતને ધ્યાનમાં રાખીને પહેલા એક પ્રાઈવેટ વાહનમાં તેમને રિફર કરવાની તજવીજ હાથ ધરાઈ અને બાદમાં ટ્રેક્ટર-જેસીબીની મદદથી 108ને બહાર કઢાઈ હતી.

ખેડા-આણંદમાં વરસાદની બેટિંગ
ખેડા અને આણંદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. નડિયાદ અને આણંદમાં પવન ફૂંકાવા સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદે સટાસટી બોલાવી હતી. નડિયાદ અને આણંદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ઉકળાટ ભરી ગરમી વચ્ચે જાણે એક રાહતનો માહોલ આવી ગયો હતો.

વડોદરામાં પણ છેલ્લા અડધા કલાકથી (આ લખાય છે ત્યારે) સતત વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને લીલોતરી જોવા મળી હતી. અલ્હાદક માહોલ વચ્ચે પહેલા વરસાદમાં લોકોએ સેવ-ઉસળ, ભજીયા વગેરે ગરમાગરમ નાસ્તાની મીજબાની માણી હતી. અમદાવાદમાં પણ એસજી હાઈવે, બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 30મી જૂન સુધી વરસાદની ભારે બેટિંગ જોવા મળી શકે છે તે અંગે આગાહી કરવામાં આવી છે.

હિંમતનગરઃ બે બ્રાહ્મણ દીકરીને નામ બદલી ફોસલાવીઃ કથિત લવ જેહાદની ઘટનાથી ચકચાર

કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદ
કચ્છ કંડલામાં વરસાદનું આગમન થઈ ચુક્યું છે. હાલમાં જ બિપોરજોય વાવાઝોડાની અસર સહન કરી રહેલા કચ્છમાં ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ ઊભું થયું હતું. આજે સવારથી જ અહીં વરસાદ પડી રહ્યો છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

નવસારીમાં વરસાદથી ખેડૂતો હરખાયા
નવસારીમાં અને ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો છે. હલકા વરસાદ સાથે નવસારીના ગણદેવી, ચિખલી અને ડાંગના વઘઈ તથા આહવામાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદને કારણે જનજીવન પર અસર થઈ રહી છે. જોકે ખેડૂતોમાં તો હરખના પ્રસંગ આવ્યા હોય તેવો ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ભાવનગરમાં મેઘાની મંગળ પધરામણી
ભાવનગર જિલ્લામાં મેઘરાજાની મંગળ પધરામણી થઈ છે. ગતરોજ બપોરેથી ભાવનગર જિલ્લાના ઘોઘામાં ત્રણ ઇંચ, વલ્લભીપુરમાં સવા ઇંચ, ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગર શહેર અને જેસર પંથકમાં પણ વરસાદ પડ્યો છે. ગોહિલવાડ પંથકમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા હોય તેમ જિલ્લામાં આજે સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. આજે બપોરે ભાવનગર શહેરને જિલ્લાભરમાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરમાં આજે સવારથી જ કાળા ડિબાગ વાદળો છવાયેલા હતા. દરમિયાન બપોરે ભાવનગર શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જ્યારે ઘોઘા અને સિહોરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જિલ્લાના ગ્રામ્ય પથકમાં વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રોમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી છે.

(ઈનપુટઃ હેતાલી શાહ, આણંદ / નીતિન ગોહિલ, ભાવનગર / દિગ્વિજય પાઠક, વડોદરા / હિરેન રાવિયા, અમરેલી / રોનક જાની, નવસારી / કૌશિક કાંટેચા, કચ્છ)

    follow whatsapp