ગુજરાતમાં હિમાચલ જેવા દ્રશ્યોઃ જુઓ Videos ક્યાં કેવી છે સ્થિતિ

અમદાવાદઃ ગુજરાતમાં ઠેરઠેર ભારે વરસાદને કારણે પાણી ધસમસતા જોવા મળી રહ્યા છે. ક્યાંક રોડ રસ્તાઓ જ નદીઓમાં ફરી ગયા હોય તેવું દેખાય છે તો ક્યાંક…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં ઠેરઠેર ભારે વરસાદને કારણે પાણી ધસમસતા જોવા મળી રહ્યા છે. ક્યાંક રોડ રસ્તાઓ જ નદીઓમાં ફરી ગયા હોય તેવું દેખાય છે તો ક્યાંક ધસમસતા પાણીના વહેણ જોવા મળી રહ્યા છે. ક્યાંક ડેમના પાણી ઓવરફ્લો દેખાઈ રહ્યા છે તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી પહોંચી ગયા છે. આ કારણે જે વિસ્તારોમાં સ્થિતિ વધારે કપરી જોવા મળી છે ત્યાં પોલીસ પણ લોકોની મદદ માટે પહોંચી ગઈ છે. ઠેરઠેર વરસાદની તરાજીના દ્રશ્યો જોઈ એક તબક્કે આપ પણ હિમાચલની જળ બંબાકારની સ્થિતિને યાદ કરી લેશો.

જામનગરમાં ઢાઢરનું રૌદ્ર સ્વરૂપ
જામનગરમાં આવેલા લાલપુરમાં જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તેવું દ્રશ્ય સર્જાયું છે. અહીંથી વહેતી ઢાઢર નદી બે કાંઠે થઈ ગઈ છે. જેને કારણે ઢાઢર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. નદી એવી ધસમસી રહી હતી કે તેના પાણીમાં બે કાર વહી ગઈ હતી. તંત્ર દ્વારા આ તબક્કે લોકોને નદીની નજીક નહીં જવાની સલાહ અપાઈ છે.

કુતીયાણામાં ખાબક્યો 7 ઈંચ વરસાદ
ઉપરવાસમા પડેલા ભારે વરસાદને કારણે ધોરાજી નજીકના ભાદર-2 ડેમ તેમજ મોજ ડેમના દરવાજા ખોલવામા આવતા કુતિયાણાની ભાદર નદીમાં ભારે પુર આવ્યુ છે. ભાદર નદી ઉફાને જોવા મળી રહી છે અને ઘેડ પંથકમા ભાદરના પાણી ફરી વળ્યા છે. તો કુતીયાણામા સાત ઇંચ વરસાદ ખાબકયો હતો જેને કારણે ભાદર જાપા વિસ્તારમાં ભાદરના પાણી ફરી વળ્યા હતા. હજુ પણ ભાદરનુ પાણી વધવાની શકયતા હોવાથી ભાદરકાંઠે વસતા ખેડૂતોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. કુતિયાણા અને પસવારી વચ્ચેના રસ્તા પર પાણી ફરી વળતા આ રસ્તો બંધ થઇ ગયો છે. ઘેડના એકબીજા ગામને જોડતા અનેક રસ્ત બંધ થયા છે. ઘેડમાં ભાદર ભરપુર જોવા મળી રહી છે. તો ભાદરના પાણીને કારણે ચિકાસાથી ગેરજ જતા રસ્તા પર પાણી ફરી વળતા આ રસ્તો બંધ થઇ ગયો હતો. તેમજ વાડી ખેતરો પાણીથી તરબોળ બની જતા પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. ભાદરમાં પાણીની આવક સાથે ચિકાસા નજીક આવેલા ભાદરના કોઝવેના દરવાજા ખોલવામાં આવ્યા હતા.

વડોદરા પાસિંગની કાર નડિયાદમાં ભડકેઃ અફરા-તફરી સર્જાઈ, આગ પર કાબુ મેળવાયો- Video

પોરબંદર જિલ્લાના માધવપુરમાં અનરાધાર દસ ઇંચ વરસાદ પડતા સમગ્ર પંથક જળબંબાકાર બની ગયો છે. કોસ્ટલ હાઇવે પર પાણી ભરાયા હતા, તો માધપુરની શેરીમાં પાણી ફરી વળ્યા હતા. જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આજે સવારના સમયે ભારે પવન ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. માત્ર ત્રણ કલાકમાં દસ ઇંચ વરસાદ પડતા સમગ્ર પંથકમા પાણી ફરી વળ્યા હતા તો બીજી તરફ મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને મેળા ગ્રાઉન્ઠનો સરોવર બની ગયું હતું. માધવપુરના આસપાસના ગામોમાં પણ ભારે વરસાદ પડયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોરબંદર શહેરમાં બપોરના એક વાગ્યાથી વરસાદી માહોલ જામ્યો છે. અહીં પણ ભારે વરસાદ પડે તેવી શકયતા છે. પોરબંદર જીલ્લામા આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદરના અન્ય વિસ્તારોમા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

વડોદરા-અરવલ્લીના શહેરી વિસ્તારમાં પાણી ભરાયા
અરવલ્લી શહેરના મુખ્ય રસ્તા પર વરસાદના પાણી ભરાઈ ગયા હતા. સતત વરસાદથી પાણી ભરવાને પગલે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. આવી જ હાલત કાંઈક વડોદરાની પણ જોવા મળી હતી. જ્યાં શહેરના વિવિધ રસ્તાઓ પર વરસાદના પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં પણ આજે વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં સામાન્ય પાણી ભરાયું હતું પરંતુ વરસાદમાં ટ્રાફિકની સમસ્યાએ લોકોને ખુબ પરેશાન કરી મુક્યા હતા.

સરદાર સરોવર ડેમની સપાટી 126.56 મીટર
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીની સાથે સાથે આજે સરદાર સરોવરની નર્મદા ડેમની સપાટી 126.56 મીટર નોંધાઈ હતી. આપને જણાવી દઈએ કે ડેમી મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલમાં પાણીની આવક 43670 ક્યૂઝેક છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 52005 ક્યૂઝેક છે. રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં જાવક 15565 ક્યૂઝેક છે અને કેનાલના હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં જાવક 5296 ક્યૂઝેક છે.

કવાંટ તાલુકામાં ભારે વરસાદથી ગામોની નદીઓ છલકાઈ
છોટા ઉદેપુર જિલ્લાના કંવાટ તાલુકાના સરહદી કોચવડ ગામમાંથી પસાર થતી દુધવાલ કોતરમાં પાણીનું પુર આવી ગયું હતું. ભારે વરસાદ અને મધ્યપ્રદેશ ઉપરવાસમાં વરસાદને કારણે કોચવડ ગામમાં દુધવાલ કોતરમાં ધસમસતા પાણી જોવા મળ્યા હતા. કોતરનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેતરો ડૂબી ગયા હતા. ખેડૂતોનો ઊભો પાક ધોવાયો હતો. જિલ્લામાં ભારે વરસાદથી નીચાણમાં રહેતા લોકોને પરેશાની થઈ રહી છે.

પોલીસે લોકોને ખભે ચઢાવી કરી મદદ
ગીર સોમનાથના પ્રભાસ પાટણ શહેરમાં રહેણાક વિસ્તારોમાં પાણીનું સ્તર એકાએક વધવા લાગ્યું હતું. જેના કારણે ઘણા લોકો ડૂબવાની સ્થિતિમાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું હતું. એક દોરીના સહારે તથા જે લોકોને ખભે ચઢાવીને લઈ જવા તો તે રીતે, જે રીતે શક્ય બને તે રીતે પોલીસે તેમની મદદ કરીને તેમને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. ખુદ ગુજરાત પોલીસ વડા દ્વારા પણ તેમની આ કામગીરીની સરાહના કરવામાં આવી હતી.

ડ્રોન વીડિયોમાં વિસ્તારોની હાલત દેખાઈ
ગીર સોમનાથના સૂત્રાપાડામાં ભારે વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. દરમિયાન સૂત્રાપાડાના ડ્રોન ફૂટેજ સામે આવ્યા છે જેમાં ખેતર અને રસ્તાઓ તથા ઘણા રહેણાંક વિસ્તારો પણ પાણીમાં ડૂબેલા જોઈ શકાય છે.

સોમનાથ કેસોદ હાઈવેની જળબંબાકાર સ્થિતિ
સોમનાથના કેશોદ હાઈવે પર વરસાદના પાણીની સ્થિતિને જોવા લોકો ટ્રેક્ટર લઈને સ્થિતિનો તાગ મેળવવા નીકળી પડ્યા હતા. જૂનાગઢના કેશોદમાં હાઈવે પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહારને અસર પહોંચી હતી. ટ્રેન અને બસના પણ પૈડા અટકી ગયા હતા. ઘણા લોકો સોમનાથથી જુનાગઢ વચ્ચે ફસાયા હોવાની વિગતો જાણવા મળી રહી છે. જૂનાગઢમાં ભારે વરસાદ વચ્ચે માંગરોળમાં 11 ઈંચ, જુનાગઢમાં 3 ઈંચ, માળીયામાં 4 ઈંચ, કેશોદમાં 6 ઈંચ અને જુનાગઢ રુરલમાં પણ 6 ઈંચ વરસાદ ખાબક્યો હોવાની જાણકારીઓ મળી રહી છે.

ગુજરાતમાં જળાશયોની સ્થિતિ
ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં તા. 19 જુલાઈએ સવારે 8.00 કલાકની સ્થિતિએ કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 53.96 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ગુજરાતના 33 જળાશયો 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે. જ્યારે 49 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયોમાં 25 થી 70 ટકા સુધી પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ શક્તિના 64.40 ટકા જેટલા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે, તેમ સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ-ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે.

અહેવાલમાં જણાવ્યાનુસાર, રાજ્યમાં 100 ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાના ધાતરવાડી, મુંજિયાસર, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, દાહોદ જિલ્લાના ઉમરીયા, ગીર સોમનાથના મચ્છુન્દ્રિ, જામનગરના વઘાડીયા, સપાડા, પૂના, ફૂલઝર-1 અને રૂપારેલ, જૂનાગઢના ઝાનજેશ્રી, ઉબેન, હસનપુર, હિરણ-1, મોટા ગુજેરીયા, મધુવંતી, રાજકોટના વેરિ, લાલપરી, મોજ અને સોદવદર, સુરેન્દ્રનગરના મોર્શલ, વન્સલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા સહિતના જળાશયોનો સમાવેશ થાય છે.

આ સિવાય હાલમાં ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયમાં 61.18 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 36.51 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 42.26 ટકા, કચ્છના 20 જળાશયમાં 63.61 ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ 141 જળાશયમાં 63.85 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે, તેમ ફ્લડ કન્ટ્રોલ સેલના અહેવાલમાં વધુમાં જણાવાયું છે.

    follow whatsapp