અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જે જાામ્યો છે, તેને જોઈને શહેરી વિસ્તારો તો ઠીક પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની હાલત કફોળી બની છે. ખાસ કરીને ખેત પેદાસો પર પોતાનો જીવન નિર્વાહ ચલાવતા પરિવારો માટે આ સમય અત્યંત મુશ્કેલી ભર્યો પણ રહ્યો છે. ભારે પવન અને જોરદાર વરસાદની સટાસટીએ ક્યાંક પ્રસંગ બગાડ્યો છે તો ક્યાંક ખેડૂતોનો પાક, ક્યાંક લોકોના ઘરની છત ઉડાવી દીધી છે તો ક્યાંક ઝાડ અને વીજપોલને તોડી નાખ્યા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો વરસાદ મન મુકીને વરસ્યો છે. આવા કેટલાક વિસ્તારોના વીડિયો સામે આવ્યા છે જે અહીં દર્શાવ્યા છે.
ADVERTISEMENT
વરસાદે ક્યાં કર્યા કેવા હાલ જઓ…
અમરેલીના સાવરકુંડલામાં સતત કેટય દિવસોથી માવઠાનો માર પડી રહ્યો છે. અહીં ખોડીયાણા, આદસંગ, ઘનશ્યામ નગર, આંબરડી, દોલતી જેવા ગામોમાં સતત વરસાદ પડ્યો છે. સાત દિવસથી સાવરકુંડલામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારો અને શહેરમાં પણ વરસાદ પડી રહ્યો છે. શેરીઓમાંમ તો વહેતી નદી જેવો ઘાટ જોવા મળે છે. દરમિયાનમાં ખેતીને ભારે નુકસાન થવા પામ્યું છે.
બીજી બાજુ ખાંભા ગીરના ગ્રામ્ય વવિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં હનુમાનપુર, તાલડા, દલડી, રાયડી, પાટી અને મોટા સરાકડિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. અહીં પણ સતત 7 દિવસથી કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
અમરેલી જીલ્લામાં સતત છ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો ની માઠી દશા બેઠી છે, ખાસ કરીને ધારી પંથકમાં સતત વરસતા કમોસમી વરસાદના કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે, કેસર કેરીના ગઢ ગણાતા ધારી વિસ્તારમાં અગાઉ થયેલા કમોસમી વરસાદના કારણે કેરીનું ઉત્પાદન ઓછુ છે.. હવે કેરી ની ભરપૂર સીઝનમાં ફરી મોવઠુ ખાબકતા ખેડૂતો મુમુશ્કેલીમાં મુકાયા છે.
આ તરફ કચ્છના માંડવી ખાતે આવેલા મોટી ભાડાઈમાં તોફાની વરસાદ પડ્યો હતો. જેમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ઘણા મકાનના પતરા ઉડી ગયા હતા, વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. વૃક્ષ પડી ગયા હતા. આવી જ હાલત અબડાસામાં પણ મોથળા ખાતે થઈ હતી. અહીં આ ઉપરાંત ગામની પાસે આવેલી નદીમાં પણ ભારે પાણી વહી નીકળ્યા હતા. ગામના બંગલાઈ તળાવમાં નવા પાણીની આવક શરૂ થઈ ગઈ હતી. સાથે જ લખપત જિલ્લા, નખત્રાણાંમાં પણ કમોસમી વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી હતી.
આ બાજુ અરવલ્લીમાં પણ ખેડૂતોની આવી જ હાલત હતી. જ્યાં ઉનાળામાં ગરમીનો પ્રકોપ હોય છે ત્યાં આજે ગાજવીજ સાથે વાદળા અને ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે પવન અને ધોધમાર વરસાદને કારણે મોડાસા અને ભિલોડા પંથકમાં ખેડૂતો ચિંતાતૂર થઈ ગયા હતા. ભિલોડા, ધોલવાણી, ભવનાથ, કિશન ગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આવો જ માહોલ મોડાસાના ઈસરોલ, દધાલીયા, જીવનપુર, ઉમેતપુરમાં પણ હતો. વરસાદને કારણે ખેતીનો ખાસ કરીને બાજરી, જુવાર, મકાઈ સહિતના ઊભા પાકને નુકસાન થયું છે.
બીજી બાજુ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરા તાલુકામાં આવેલા રાજપરા ગામે બપોરના સમયમાં ભારે કમોસમી વરસાદ પડ્યો હતો. પાટણના સિદ્ધપુરમાં સાંજના સમયે વાતાવરણ પલટાયું હતું. સિદ્ધપુર સહિત ગ્રામ્ય પંથકમાં વાંરવાર પડી રહેલ કમોસમી વરસાદને પગલે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. જેને લઈ હવે ખેડૂત પણ વરસાદથી કંટાળી શહેર તરફ મીટ માંડવા લાગ્યો છે. હવામાન વિભાગ દ્વારા પાટણ જિલ્લામાં કરાયેલી કમોસમી વરસાદની આગાહીને પગલે મંગળવારે સિદ્ધપુરમાં દિવસ દરમિયાન ગરમી પડ્યા બાદ સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ત્યારબાદ પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થઈ ગયો હતો. જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો બીજી તરફ વારંવાર પડી રહેલ કમોસમી વરસાદના પગલે ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. જેમાં કમોસમી વરસાદથી બાજરીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
આ તરફ મહીસાગરમાં લગ્ન પ્રસંગમાં વરસાદ વિલન બન્યો હતો. માવઠાએ લગ્નની મજા બગાડી દીધી હતી. ભારે પવન સાથે થયેલા વરસાદમાં મંડપ જ ઉડી ગયો હતો. જેના કારણે જાનૈયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. પ્રસંગ બગડતા પરિવારો પણ ઘણા ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે મોટાભાગનો લગ્ન પ્રસંગ પૂર્ણ થઈ ચુક્યો હતો. કન્યા વિદાયના પ્રસંગે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી/ કૌશીક કાંટેચા, કચ્છ/ હિતેશ સુતરિયા, અરવલ્લી, રજનીકાંત જોશી, દ્વારકા/ વિપિન પ્રજાપતિ, પાટણ / ભાર્ગવી જોશી, જુનાગઢ/ વિરેન જોશી, મહીસાગર)
ADVERTISEMENT