ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ ક્યાંક ધોધમાર તો ક્યાંક સર્જાઈ મુશ્કેલીઓ- જુઓ આ Videos

અમદાવાદઃ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ થયો છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વીજળીના કડાકાઓ સાથે, ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર, સતત વરસાદના અહેવાલો સામે આવી રહ્યા…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ થયો છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વીજળીના કડાકાઓ સાથે, ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર, સતત વરસાદના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે વરસાદને કારણે ગુજરાતમાં ક્યાં કેવી સ્થિતિ છે. તેમાંથી કેટલાક વિસ્તારો પર આવો નજર કરીએ.

જામનગરમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
જામનગરમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 4 કલાકમાં 4 ઈંચથી વધુ પાણી વરસી ગયું છે. અવિરત વરસાદ દરમિયાન અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અવિરત વરસાદને ધ્યાનમાં રાખીને મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં પાણી એટલી હદે ભરાઈ ગયા છે કે પાણી ભરાઈ જવાને કારણે લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે, જેમાં સૌથી વધુ સક્રિય વિસ્તાર શહેરનું સર્કિટ હાઉસ છે, જ્યાં તમામ વીવીઆઈપી મહેમાનો તેમના સમય દરમિયાન રોકાય છે. શહેરનો નવોદિત વિસ્તાર લગભગ પાણીમાં ડૂબી ગયો છે. શહેરના સત્યનારાયણ મંદિર પાસેની જર્જરિત દિવાલ વરસાદમાં ધરાશાયી થઈ ગઈ છે. શહેરના તમામ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.

મોરબીમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ
મોરબીમાં આજે સવારથી જ વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં ખાસ કરીને સવારે 6થી 10 સુધી સતત ધીમી ધારે વરસાદ વરસ્યો છે. મોરબીમાં 18 mm, ટંકારા 6 mm, માળિયા 7 mm અને વાંકાનેર 1 mm વરસાદ નોંધાયો છે. શહેરના શનાળા રોડ અને માર્કેટટિંગ યાર્ડમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે લોકોના રોજીંદા કામોને અસર જોવા મળી હતી.

અરવલ્લીમાં ખીલી મૌસમ
અરવલ્લીમાં વરસાદને પગલે પ્રકૃતિનો આનંદ લેવાનો એક અનેરો લાહ્વો ઊભો થયો છે. અહીં ખાસ કરીને એવા પ્રવાસીઓ કે જેઓ નેચર પ્રેમીઓ છે તેઓ અહીં આવીને ખુશી અનુભવી રહ્યા છે. હાલમાં જ બાયડનો ઝાંઝરી ધોધ ફરી જીવંત બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગરમીના માહોલમાં સુશુપ્ત અવસ્થામાં આવી ગયેલો આ ધોધ ફરી જીવંત બનતા સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. ડાભા ગામ પાસેના વાત્રક નદી પરના આ ધોધને જોવા ઘણા સહેલાણીઓ આવતા હોય છે. હા અહીં આ ધોધને માણતા વખતે પણ સાવચેતી અવશ્ય રાખવી જરૂરી છે. પથરાળ વિસ્તાર હોઈ ઘણા ખાડાઓને કારણે પ્રવાસીઓએ સમજ અને વિવેક બુદ્ધીથી પ્રકૃતિનો આનંદ માણવો જરૂરી બન્યો છે.

મોડાસામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ખખડધજ હાલત
મોડાસાના ટીંટોઈમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવ જર્જરિત અવસ્થામાં છે ત્યારે વરસાદના માહોલ વચ્ચે આ ઈમારતમાં કામ કરતા અને અવરજવર કરતા લોકોનો જીવ અદ્ધર રહે ચે. અહીં આવનારા લોકોના શ્વાસ ચોંટેલા રહે છે કે ક્યાંક આ ઈમારત ધસી ના પડે. અહીં આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે ટીંટોઈ ગ્રામ પંચાયતને ઈમારતની હાલતને લઈને પત્ર તો લખ્યો છે પણ તંત્રના બહેરા કાન ક્યાં સુધી સાદ સાંભળી શકે છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. એમ એન ડી વિભાગના એન્જીનિયર દ્વારા મકાન ગમે ત્યારે પડી શકે તેવી ચેતવણી આપવામાં આવી છે. આરોગ્ય કેન્દ્રને અન્યત્ર ખસેડવાની માગ જિલ્લા અને તાલુકા કક્ષાએ માગ ઉઠી છે.

સાબરકાંઠામાં ધોધમાર વરસાદ
સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ અને ઇડરમાં વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે હાઇવે વિસ્તારમાં ભરાયા પાણી છે. હાઇવે પરથી પસાર થતા વાહનોને લાઈટનો સહારો લેવો પડી રહ્યો છે, તેવી લો વિઝિબ્લીટી છે. હાઈવે વિસ્તારમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાયેલી છે. આગાહી મુજબ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિદેશમાં ખોખલો ડંકો?: મોડાસાના આ ગામમાં પાકો રસ્તો પણ નથી, ‘સાહેબો ચા પીને જતા રહે છે’

પોરબંદરમાં મેઘ મહેર, સોસાયટીઓમાં ભરાયા પાણી
પોરબંદર શહેરમાં પડી રહેલા સતત વરસાદને કારણે અનેક સોસાયટીમા વરસાદી પાણી ભરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેને કારણે દસ ઇંચ વરસાદ પડી ગયો છે, પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલી આરધના પાર્ક અને શિવપાર્ક સહિતની સોસાયટીમાં વરસાદી પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. જેને કારણે લોકોને ઘરની બહાર નીકળી શકતા નથી. છેલ્લા પાંચ વર્ષથી ચોમાસાના સમયમાં આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકા દ્વારા વરસાદી પાણીનો નિકલ કરવામાં આવતો નથી. આ ઉપરાંત રસ્તા અને સ્ટ્રીટ લાઇટની પણ સુવિધ મળી નથી. જેને પગલે સ્થાનીકોએ પાલિકા સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

અમરેલીમાં ગાગડિયો નદીમાં આવ્યું પૂર
અમરેલીના લાઠી ખાતેની ગાગડિયો નદીમાં પૂર આવતા લોકોના જીવનને અસર પહોંચી છે. ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદને પગલે ગાગડિયો નદીમાં પૂર આવતા નદી બે કાંઠે થઈ છે. ગાગડિયો નદીમાં પૂર આવતા લાઠીના બેઠા પુલ પર પાણી ફરી વળ્યા છે. લાઠી ગામમાં બેઠા પુલ પર પાણી ફરી વળતા અવરજવર નો માર્ગ બાધિત થયો છે.

વરસાદથી ખેડૂતોમાં ખુશી
ભિલોડામાં આજે ભારે વરસાદ શરૂ થયો હતો. લાંબા અંતરાલ પછી અહીં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને લીલચા, ખુમાપુર, મકરોડા, ખલવદ, ભવનાથમાં વરસાદ જોવા મળ્યો છે. હાલમાં મગફળી, સોયાબીન, મકાઈ જેવા પાકોને લઈને ખેડૂતોમાં રાજીપો જોવા મળ્યો છે.

ધરોઈની જળ સપાટી 60 ટકા વધારે થઈ
ગુજરાતમાં હાલ વરસાદી સિઝન ચાલી રહી છે. જો કે ચોમાસાની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ ગણાતા ધરોઈની જળસપાટી 60 ટકાથી વધુ પહોંચી ગઈ છે. સાબરમતી નદીમાંથી છોડવામાં આવી રહ્યું છે આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ધરોઈ જળાશય ફરી એક વખત ઓવરફ્લોની સ્થિતિમાં આવી શકે છે. જોકે ધરોઈ જળાશય સમગ્ર ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓમાં પાણીનો એકમાત્ર સોર્સ છે. જો જોવામાં આવે તો 19 શહેર સહિત 800થી વધુ ગામડાઓને આ જળાશયમાંથી પાણી પુરૂ પાડવામાં આવે છે. સિંચાઈ અને પીવાનું પાણી પણ શહેરમાં જાય છે. આવી સ્થિતિમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં પાણીના સ્તરમાં વધારો થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

    follow whatsapp