ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવનને અસર, જુઓ આજના ખાસ Videos

અમદાવાદઃ સવારથી વરસાદી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો અને તેમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહમાં હતા ત્યારે વરસાદ શરૂ…

gujarattak
follow google news

અમદાવાદઃ સવારથી વરસાદી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો અને તેમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહમાં હતા ત્યારે વરસાદ શરૂ થયો છે. શહેરોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. શહેરોમાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા પ્રિ મોન્સૂન પ્લાન પર વરસાદે રીતસર પાણી ફેરવી દીધું હતું. ઘણા રોડ રસ્તા પર પાણી ફરી વળતા ડૂબી ગયા હતા. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. દૂકાનો, સહિત ગ્રાઉન્ડ ફ્લોર અને નીચાણ વાળા વિસ્તારોમાં ઘણી બિલ્ડિંગ્સમાં પાણી ફરી વળ્યા હતા.

પંચમહાલમાં દીવાલ પડતા 4 બાળકોના મોત
પંચમહાલ જિલ્લાના હાલોલમાં જીઆઇડીસીમાં દિવાલ ધરાશાયી થતા ચાર લોકોના મોત નીપજ્યા છે. આ લોકો મધ્યપ્રદેશથી કામ કરવા માટે અહીં આવ્યા હતા. શ્રમ કરી પેટીયું રળનારા લોકોના મૃત્યુ થયા છે. શ્રમજીવી પરિવારના સદસ્યોના મૃત્યુ થયા છે. આ બનાવની ગંભીરતાને લઈને પોલીસ અને એસપી ઘટના સ્તરે આવી ગયા હતા. સવારથી વરસાદ ચાલુ હોવાને કારણે આ દીવાલ ધસી પડી હોય તેવું જાણવા મળી રહ્યું છે.

નવસારીમાં નદી પર બનેલા પુલ પરથી પાણી વહ્યા
નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાની પૂર્ણા અને કાવેરી નદીનું જળ સ્તર વધવા લાગ્યું છે. નદીમાં અચાનક જલ સ્તર વધવાના કારણે પૂર્ણા નદી પર બનેલા સુપા અને કુરેલ ગામને જોડતો લો લાઈન પુલ અરવર જવર માટે બંધ કરી દેવાની ફરજ પડી છે. સાથે જ ગણદેવીના ધનોરીથી નેશનલ હાઈવે તરફ જવાના રસ્તા પર ઝાડ પડવાના કારણે અહીં પણ વાહન વ્યવહારને અસર પહોંચી છે.

આણંદમાં યુવાનને બાથરૂમમાં જ આવી ગયો એટેક, દરવાજો તોડ્યો તો…

અરવલ્લીના આ ગામ પર ફાટ્યું વાદળ 1 કલાકમાં 4 ઈંચ વરસાદ
અરવલ્લીમાં ઠેરઠેર ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં આજે બાયડના જીતપુરમાં વાદળ ફાટતા ગામમાં પાણી જ પાણી થઈ ગયું હતું. ફક્ત 1 જ કલાકના સમયમાં તો અહીં 4 ઈંચ વરસાદ ખાબક્યા જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. જીતપુર ગામમાં મોટાભાગના ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા. ગામના રસ્તાઓ પરથી પાણી એવી રીતે જઈ રહ્યા હતા કે જાણે કે રસ્તાઓ જ નદી બની ગયા હોય.

ધનસુરામાં એક વ્યક્તિ ધસમસતા પાણીમાં ડૂબ્યો
અરવલ્લીના ધનસુરામાં અમરપુર ગામમાં એક વ્યક્તિ ડૂબી ગયાની ઘટના સામે આવી છે. નદીને પાર કરતી વખતે આ વ્યક્તિ ડૂબી ગયો હોવનું સામે આવી રહ્યું છે. ખરવના વંગામાં વરસાદના ધસમસતા પાણીમાં એક વ્યક્તિ ડૂબી ગયો હોવાની વિગતો મળતા મોડાસા નગર પાલિકાનો ફાયર બ્રિગેડના લાશકરો તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે તુરંત બોટ સાથે બચાવ અભિયાન પણ શરૂ કરી દીધું હતું. રેસ્ક્યૂ ઓપરેશન જોવા માટે મોટી સંખ્યામાં ગામના લોકો આવી પહોંચ્યા હતા.

જુનાગઢમાં દોઢ કલાકની તોફાની બેટિંગ
જુનાગઢમાં ગત દોઢ કલાકથી વધારે સમયથી વરસાદની તોફાની બેટિંગ ચાલી રહી છે. મુશળધાર વરસાદને પગલે લોકોના જીવનને અસર પડી રહી છે. તો વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ ભારે વરસાદના વચ્ચે બકરી ઈદની રજા હોઈ લોકોને રજાના દિવસે પરિવારની સાથે રહેવાની તક મળી હતી. જેને લઈને પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારે વરસાદને પગલે ખેડામાં SBI બેન્કમાં પાણી ભરાયા: Photos

આ તરફ ગીરનારમાં ઝરણાં વહેવા લાગ્યા હતા. જ્યારે જુનાગઢમાં સતત વરસાદને કારણે ઘણા વિસ્તારો પાણીમાં તરબરોળ થઈ ગયા હતા. દરમિયાન ગીરનારના જંગલોમાં થઈ રહેલી સાત ઈંચથી વધારે વર્ષાને લઈને જળ પ્રવાહ વહેવા લાગ્યો હતો. દરમિયાન વાહનચાલક પણ જીવને જોખમે રોડ ક્રોસ કરતા નજરે પડ્યા હતા. એક તરફ મુશ્કેલી અને બીજી તરફ ગીરનારનું રમણીય દ્રશ્ય જોવા મળ્યું હતું.

જુનાગઢની જલારામ સોસાયટીમાં જળ પ્રવાહ વધી જતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આ તરફ નરસિંહ મહેતાના ભક્તિના પ્રતિક ગણાતા દામોદર કુંડમાં પણ પાણી બે કાંઠે વહેવા લાગ્યું છે. અંડર બ્રિજની હાલત અંગે તો શું વાત કરવી અહીં તો 4થી 6 ફૂટ પાણી ભરાઈ ગયું છે. જેના કારણે અંડર બ્રિજથી વાહન વ્યવહાર થવો અશક્ય બન્યો છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વિઝિબ્લીટી લો
આ તરફ નર્મદામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં ભારે વરસાદ અને વાદળા એટલા ઘાટા જોવા મળ્યા હતા કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક વિઝિબ્લીટી લો થઈ ગઈ હતી. એક તબક્કે તો જાણે વરસાદ અને વાદળોને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેની સરદાર પટેલની પ્રતિમા પણ અદ્રશ્ય થઈ જતી હતી.

વિપક્ષ તો ઠીક બેઠક પણ ડામાડોળ: શિમલાના બદલે બેંગ્લુરૂમાં બેઠકનું આયોજન થશે

સાબરકાંઠામાં ખેડૂતો હરખાયા
સાબરકાંઠાના તલોદ બાદ પ્રાંતિજ અને હિંમતનગરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ધનપુરા, ખેડ, ગંધિપુરા કંપા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જવાઈ ગઈ હતી. અહીં હવામાન વિભાગે જે આજે ભારે વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે ભારે વરસાદ પડ્યો હતો.

મહીસાગરના બાલાસિનોરમાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ
મહીસાગરના બાલાસિનોરમાં માત્ર 2 જ કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને કારમે જિલ્લાના લુણાવાડા તાલુકાના જુફરાલી ગામમાં મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો. આ મકાનમાં ત્રણ વ્યક્તિ રહેતા હતા જોકે સદનસીબે ત્રણેયના જીવ બચી ગયા છે. બાલાસિનોરમાં પણ સૌથી વધારે ખાનપુર તાલુકામાં વરસાદ ખાબક્યો છે. આ તરફ અન્ય સ્થાનો પર વાવણી લાયક વરસાદ પડી રહ્યો હોઈ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. બાલાસિનોર – 153 મિમી, સંતરામપુર 105 મિમી, વિરપુર 95 મિમી, લુણાવાડા 89 મિમી, કડાણા 77 મિમી ખાનપુર 43 મિમી વરસાદ ખાબક્યો છે.

ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ
ગુજરાતમાં વિધિવત રીતે આરંભ થયેલા ચોમાસાનાં વરસાદમાં ભાવનગર મહાનગર પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ નબળી હોવાનું પુરવાર થતા મોટાભાગનાં પાણી ભરાયા હતા. આવી જ કાંઈક હાલત સુરત અને અમદાવાદમાં પણ જોવા મળી હતી. તેના કારણે વાહન ચાલકોથી લઈ રાહતદારીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. ભાવનગરના કાળિયાબીડ વિરાણી સર્કલ પાણી ભરતા રાહતદારીઓને પડી મુશ્કેલીઓ વરસાદમાં ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલો. આ તરફ અમદાવાદમાં નિકોલ વિસ્તાર, ન્યૂ નિકોલ સહિતનો વિસ્તાર તો જાણે બેટમાં પરિણમ્યો હોય તેવો નજારો જોવા મળ્યો હતો. ભાવનગરમાં દિવસભર બફારા બાદ વરસાદનું આગમન થયું હતું.

(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર / ભાર્ગવી જોશી, જુનાગઢ / શાર્દૂલ ગજ્જર, ગોધરા / હિતેશ સુતરિયા, અરવલ્લી / હિંમત પટેલ, સાબરકાંઠા / ધનેશ પરમાર બનાસકાંઠા / નરેન્દ્ર પેપરવાલા, નર્મદા/ હેતાલી શાહ, ખેડા / વિરેન જોશી, મહીસાગર)

    follow whatsapp