શાર્દૂલ ગજ્જર.પાવાગઢઃ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચુકી છે જેને પગલે ઠેરઠેર વરસાદ પડ્યો છે. વરસાદી માહોલમાં પાવાગઢની સુંદરતા કેટલી ખીલી ઉઠે છે તે ત્યાં જઈ ચુકેલા લોકો જ જાણે છે. જોકે આપ પણ આ અલ્હાદક નજારો જોઈ શકો છો. અહીં આપ સમક્ષ વીડિયો અને તસવીરો મુકવામાં આવી છે જેમાં આપ જોઈ શકો છો કે આ વાત બીલકુલ ખરી છે.
ADVERTISEMENT
પાવાગઢમાં હાલમાં ફૂલ વરસાદ પડી રહ્યો છે. વરસાદનો આનંદ માણતા યાત્રિકો પણ જોવા મળ્યા છે. અહીં વરસાદ સીડીઓથી ઉતરીને એક અલગ જ ઝરણાનો અહેસાસ કરાવી દે છે. પાવાગઢમાં હાલ જાણે કે આનંદનું ઝરણું વહેતું થયું હોય તેવો માહોલ છે. વરસાદના આવા હળવા ધોધ વચ્ચે લોકોને ચાલતા જોવા મળ્યા હતા.
પાવાગઢને વધુ લીલોછમ બનાવવાની પહેલ
મંદિરે આપેલા બજેટમાંથી વન વિભાગે કોકોપીટ બનાવવાની કામગીરી શરુ કરીને નવલખી કોઠાર વિસ્તારમાં ૧૦ હેક્ટર જમીનમાં વડ, પીપળ, જાંબુ, પારિજાત, કરમદાં, સીસમ, પાણીકણજી, કણજ, આમળાં ઉમરો, ગુંદા તેમજ અલગ અલગ ૨૮થી ૩૦ જાતનાં- ૪૨,૦૦૦ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાયું. પાવાગઢ તળેટીમાં ૨૦ હેક્ટર જમીનમાં ૩૨,૦૦૦ વૃક્ષો વાવવામાં આવ્યાં છે. એટલું જ નહીં, આ બજેટમાંથી ચાંપાનેર તળેટીથી પાવાગઢના માચી સુધી રોડની બંને સાઇડ થીમ બેઝ વાવેતર હેઠળ પાનાગારુ, કચનાર, ગરમાળો, ગુલમહોર, તબુબિયાં જેવાં સુશોભિત ૨૫૦૦ રોપા અને વૃક્ષોનું વાવેતર પણ કરાયું છે.
મહાકાય મગરનું રેસ્ક્યૂ કરવા જતા મારી પૂંછડીની થપાટઃ જુઓ વડોદરાનો Live Video
કોકોપીટનો ખાતર તરીકે ઉપયોગ
હાલોલના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સતીશ બારિયાએ જણાવ્યું હતું કે, કોકોપીટ (નારિયેળનાં છોતરાંમાંથી સેંદ્રીય ખાતર) બનાવવા માટે માચી ખાતે એક મશીન મૂકવામાં આવ્યું છે. જેમાં મોટાં છોતરાં નાના બારીક કરાય છે. હવે નાંનાં છોતરાંમાંથી બીજું મશીન બારીક ભૂકો તૈયાર કરે છે જેને કોકોપીટ કહેવાય છે. અહીં કોકોપીટનું કામ શરૂ થવાથી ૮થી ૧૦ પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. જેમને કામ પ્રમાણે મહેનતાણું પણ ચૂકવાય છે. રોજનું અહીં ૧૫થી ૨૦ કિલો કોકોપીટ તૈયાર થાય છે.
કોકોપીટનો ઉપયોગ હાલમાં પંચમહાલ જિલ્લાની વિવિધ નર્સરીમાં કરાઇ રહ્યો છે. જિલ્લા વન અધિકારીશ્રી મોરારીલાલ મીના (ડીસીએફ)એ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ભદ્રકાળી મંદિરની આજુબાજુ દસ હેકટરમાં જમીનમાં ૧૧,૧૧૧ રોપા અને ટ્રસ્ટ તરફથી બનાવાઇ રહેલા ભોજનાલયની સામેની બાજુએ ૫ હેક્ટર જમીનમાં ૪૪૪૪ રોપા ઉછેરાશે.જયાં માણસ કામ ન કરી શકે તેવી પર્વતીય જગ્યાઓ પર હાલોલ રેન્જ વન વિભાગ દ્વારા સીડબોલ થકી બીજનું વિતરણ કરાય છે.અહીં ડુંગરની આજુબાજુ સીડ સોઇંગ એટલે કે બીજનો છંટકાવ ડ્રોન દ્વારા કરીને વૃક્ષો ઉછેરવાની કામગીરી પણ કરવામાં આવશે.ભવિષ્યમાં કોકોપીટના વેચાણ માટે કેન્દ્ર પણ બનાવવામાં આવશે,જેથી યાત્રાળુઓ પોતાના ઘરના છોડ માટે એનો ઉપયોગ ખાતર તરીકે પણ કરી શકે.
ADVERTISEMENT