હેતાલી શાહ, ખેડા: ગુજરાતમાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન ખેડા જિલ્લામાં આજે વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પહોંચી. ખેડા જિલ્લામાં ભારે પવનના કારણે ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઠાસરા તાલુકાના શાહપુર ગામ નજીક નીલગીરીનું વૃક્ષ ધરાશાયી થતા ત્યાંથી બાઈક પર પસાર થતાં પતિ પત્નીનું મોત થયું છે.
ADVERTISEMENT
આજે વહેલી સવારથી જ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ થૈયાર થયો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈને ઠેર ઠેર ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના શાહપુર ગામ નજીક કેનાલ પર આવેલ નીલગીરીનું વૃક્ષ પસાર થતી બાઇક પર ખાબક્યું હતું. જેમાં પતિ પત્નીનું મોત થયું છે.
ગામમાં શોકનો માહોલ છવાયો
ઠાસરા તાલુકાના નેતરિયા ગામના રાવજીભાઈ પરમાર અને પત્ની ભાનુબેન પરમાર બન્ને પતિ પત્ની પોતાના ખેતરમાં ખેત મજૂરી કરવા માટે જઈ રહ્યા હતા. અને આ નીલગીરીનું વૃક્ષ તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પડતા પતિ પત્નીને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેને લઈને પત્નીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતું. જ્યારે પતિને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. હાલ આ બંનેના મૃતદેને ડાકોર સીએસસી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને ગામમા શોકનો માહોલ છવાયો છે.
સવારથી જ વરસાદી માહોલ
ગઇકાલે હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી હતી કે રાજ્યમાં રાજ્યમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. ગાજવીજ, તોફાની પવન ફૂંકાવવાની પણ આગાહી કરવામાં આવી હતી. જ્યારે આજે રવિવારે નર્મદા, તાપીમાં વરસાદ પણ પડી શકે છે. જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે. વરસાદ ઉપરાંત અમદાવાદમાં 7, 8 જૂને યલો એલર્ટ જાહેર કરાયું છે.
ADVERTISEMENT