ભાર્ગવી જોશી/જૂનાગઢ: હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ગુરુવારે ભારે વરસાદ પડ્યો હતો. જૂનાગઢ શહેર એક જ દિવસમાં 8 ઈંચ વરસાદ પડતા પાણી-પાણી થઈ ગયું હતું. નરસિંહ તળાવના બ્યૂટીફિકેશનના નામે પાણી રોકવામાં આવતા આસપાસની સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. સોસાયટીઓમાં ઘુંટણ સમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એવામાં મોડી રાત્રે ધારાસભ્ય સંજય કોરડિયા મદદ માટે દોડી આવ્યા હતા.
ADVERTISEMENT
લોકોના ઘરોમાં વરસાદ અને ગટરનું પાણી ઘુસ્યું
ત્યારે શહેરના દુર્વેશ નગરના લોકોએ મદદ માટે આવેલા ધારાસભ્યને આડે હાથ લીધા હતા. વરસાદી પાણી અને ગટરનું ગંદુ પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકો રોષે ભરાયા હતા અને ધારાસભ્ય પર વરસી પડ્યા હતા. ધારાસભ્ય સંજય કોરાડિયા પાણી ભરાવાની સ્થિતિનું નિરીક્ષણ કરવા અને સમસ્યાના નિરાકરણ માટે પહોંચ્યા ત્યારે રોષે ભરાયેલા લોકોએ કહ્યું કે, નરસિંહ તળાવના બ્યુટીફિકેશન માટે તમે અમારો જીવ કેમ જોખમમાં મૂક્યો, જુઓ અમારા ઘરમાં શું થયું છે. શું તમે વરસાદની ચેતવણીથી વાકેફ ન હતા, હવે જ્યારે સ્થિતિ બગડી છે, ત્યારે તમે અહીં પહોંચી ગયા છો જ્યારે સમસ્યાનું સમાધાન તમારી પાસે પહેલેથી જ હતું.
ધારાસભ્ય પર ગુસ્સે થયા લોકો
ઘુંટણ સુધી સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા ધારાસભ્યએ પાણીનો પ્રવાહ રોકવા માટે બનાવેલી દિવાલ તોડી અને પાણીનો નિકાલ કરવામાં મદદ કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે, મહાનગર પાલિકાની અજ્ઞાનતાનો ભોગ બનેલા હજારો લોકોની હું તેમના બદલ માફી માગું છું’ આ સાથે જ રોષે ભરાયેલા લોકોએ ઘેરાવ કરતા ધારાસભ્યએ પોતાનો મિજાજ ગુમાવ્યો અને લોકોને કહ્યું કે “મર્યાદામાં રહીને બોલો” સામેની વ્યક્તિ વિનંતી કરતી રહી કે હું ફક્ત તમને સ્પર્શ કરું છું તમને ગાલ પર માર્યું તો નથી. ત્યારે ધારાસભ્યએ કહ્યું કે, જો મને લાફો માર્યો તો હું તમને તોડી નાખીશ.”
લોકોનો રોષ જોઈને ધારાસભ્ય ગુસ્સે થઈ ગયા અને એ પણ ભૂલી ગયા કે લોકો કેમ ગુસ્સે છે. નરસિંહ તળાવના પ્રોજેક્ટનું કામ ધારાસભ્યની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. લોકો ગુસ્સે હતા કારણ કે, તેઓ જાણતા હતા કે આવું થશે, તેમ છતાં તેઓ ઉકેલ શોધી શક્યા નહીં અને લોકોની મુશ્કેલીઓ વધી.
આ માનવસર્જિત હોનારત છે:મહેન્દ્ર મશરૂ
દુવેશનગરની સ્થિતિ પર પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ તેને માનવસર્જિત હોનારત ગણાવતા કહ્યું કે, હું ત્યાં પહોંચ્યો અને ગંભીર સ્થિતિ જણાતા તંત્ર પાસે તરત જ કામ કરાવવા જીદ પકડી અને લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢવા કોશિશ કરી રહ્યા છીએ. ચોક્કસ પણે માનું છું કે આ માનવસર્જિત હોનારત હતી જેનો ભોગ અનેક નિર્દોષ લોકો બન્યા, જો ગંભીરતાથી ન લીધું હોત તો લોકોના જીવ પણ જાત. અચાનક આવેલા પાણીના તેજ પ્રવાહે લોકોને ભયભીત કરી દીધા, બાળકો વૃદ્ધોને લઇ ક્યાં જવું મુખ્ય મુશ્કેલી એ હતી.
ADVERTISEMENT