ગાંધીનગર : રાજ્યના તમામ જિલ્લામાં વહીવટી કુશળતા માટે પ્રભારી સચિવોની નિમણૂક લાંબા સમયથી અટવાઇ હતી. જો કે આજે આ નિમણૂકો કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા આ અંગે અધિકારીક જાહેરાત કરવામાં આવી છે. પ્રભારી સચિવ તરીકે રાજ્ય સરકારે વિવિધ સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપી છે. તમામ 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવો તરીકે નિમણૂક કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લાઓમાં મંત્રીઓને પ્રભારી મંત્રીઓ તરીકેની જવાબદારી અગાઉ સોંપાઇ ચુકી હતી. જો કે અધિકારીઓની નિમણૂક બાકી હતી.
ADVERTISEMENT
PM 12 મેના રોજ ગુજરાત પ્રવાશે આવવાનાં છે
વડાપ્રધાન મોદી ગુજરાતના 12 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવવાનાં છે. તે પહેલા ગુજરાતના જેટલા પણ કામો ઘોચમાં પડ્યા છે તે તમામ ફરી પાટે ચડાવવામાં આવી રહ્યા છે. લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી છે તે IPS અધિકારીની બદલીઓના ઓર્ડર પણ પીએમ મોદી આવે ત્યારે તેમાં ફાઇનલ મહોર વાગે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો વિવિધ બોર્ડ અને નિગમની પણ લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે તે નિમણૂકો પર પીએમ મોદી ફાઇનલ મહોર મારે તેવી શક્યતા છે.
ગાંધીનગરમાં હર્ષ સંઘવી મિલિંદ તોરવણેની જોડી
અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલને બનાવાયા હતા. જ્યારે પ્રભારી સચિવ તરીકે મુકેશ કુમારને જવાબદારી સોંપવામાં આવી છે. અમરેલીમાં પરષોત્તમ સોલંકીને પ્રભારી બનાવાયા હતા. જ્યારે પ્રભારી સચિવ સંદીપકુમારને બનાવાયા છે. જ્યારે બનાસકાંઠામાં બળવંતસિંહ રાજપૂત પ્રભારી મંત્રી છે અને પ્રભારી સચિવ વિજય નહેરાને બનાવાયા છે. ગાંધીનગર જિલ્લામાં પ્રભારી મંત્રી હર્ષ સંઘવી છે અને પ્રભારી સચિવની જવાબદારી મિલિંદ તોરવણેને સોંપાવામાં આવી છે. મહીસાગરમાં અશ્વિની કુમારને પ્રભારી સચિવ બનાવાયા છે. ભાવનગર ભાનુબેન બાબરીયા અને આલોલકુમાર પાંડેને જવાબદારી સોંપાઇ છે.
ADVERTISEMENT