Parshottam Rupala Controversy: લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. આ વચ્ચે રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે પ્રચંડ જનસભાને સંબોધ્યા બાદ શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. જોકે, હજુ પણ ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ક્ષત્રિય સમાજની એક જ માંગ
રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો વિરોધ કરવા માટે ગત 14 એપ્રિલના રોજ રાજકોટના રતનપરમાં 3 લાખથી વધુ ક્ષત્રિયો ભેગા થયા હતા. આ મહાસંમેલનમાં તમામ ક્ષત્રિયોએ એક જ સૂરમાં કહ્યું હતું કે રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ. એક તરફ ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિયોના આક્રોશને શાંત પાડવામાં મથામણ કરી રહી છે. ગઈકાલે રાત્રે સરકાર સાથે ક્ષત્રિયોની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પણ આ મામલે કોઈ સમાધાન નીકળ્યું નહોતું.
આ પણ વાંચોઃ 'મહાદેવના સોગંદ ખાઈને કહું છું કે હું સમાજ સાથે ગદ્દારી નહીં કરું', સરકાર સાથે બેઠક બાદ પી.ટી જાડેજાનું નિવેદન
પ્રદીપસિંહ જાડેજાએ બોલાવાનું ટાળ્યું
આ મામલે આજે છોટા ઉદેપુર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાની રેલીમાં હાજર રહેલા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને સવાલ કરવામાં આવતા તેઓએ આ મુદ્દે બોલવાનું ટાળ્યું હતું. આજે છોટા ઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા ભાજપ કાર્યાલયથી રેલી કાઢી હતી. જેમાં સાંસદ ગીતાબેન રાઠવા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા પણ પહોંચ્યા હતા.
બે હાથ જોડીને રવાના થયા
નામાંકન પ્રક્રિયા બાદ જ્યારે પ્રદીપસિંહને જાડેજાને પરસોત્તમ રૂપાલા મુદ્દે સવાલ પૂછવામાં આવતા તેઓએ બે હાથ જોડીને ડ્રાઈવરને કહી દીધું હતું ગાડી આગળ જવા દો. આપને જણાવી દઈએ કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદનને લઈને રોષ ફાટી નીકળતા ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા,કેસરી સિંહ ઝાલા, આઈ.કે જાડેજા, બળવંતસિંહે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી અને સમાધાનના પ્રયાસો કર્યા હતા.
ADVERTISEMENT