Bhavnagar News: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં વધુ એક પત્રિકા કાંડ થયો હોવાની વિગતો સામે આવી રહી છે. સુરત બાદ હવે ભાવનગરના સાંસદ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેની પત્રિકા વાઈરલ થઈ છે. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ અને તેમના પતિ ધીરુભાઈ શિયાળ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેની પત્રિકા વાઈરલ થઈ છે.
ADVERTISEMENT
બેંકમાંથી સેટિંગ કરીને 70 વીઘા જમીન લીધાનો આક્ષેપ
ભાજપના સાંસદ અને તેમના પતિ સામે PMને સંબોધીને લખાયેલી 3 પાનાની પત્રિકામાં આક્ષેપ કરાયો છે કે, સાંસદની ગ્રાન્ટમાંથી 15થી 20 ટકા કમિશન લેવાઈ રહ્યું છે. સાથે જ ગંભીર આરોપ આ પત્રમાં એવો પણ લગાવવામાં આવ્યો છે કે, સિહોર તાલુકામાં આવેલા GIDC માં 70 વીઘા જમીન બેંકમાંથી સેટિંગ કરીને ખરીદી છે. 8 થી 9 કિલો સોનું પણ ખરીદ્યો હોવાનો આક્ષેપ છે. જે પત્ર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ભાવનગરના સાંસદ અને તેમના પતિ વિરુદ્ધ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
10 મુદ્દામાં સાંસદ પર સવાલો
સૌથી ગંભીર બાબત એ પણ પત્રમાં લખવામાં આવી છે કે, રાજસ્થાન પ્રદેશના સંગઠનના પ્રભારી તરીકે જવાબદારી ભાવનગરના સાંસદ ભારતીબેનને સોંપવામાં આવી હતી. એ સમયે તેમણે વિધાનસભાની ટિકિટ માટે પૈસા લઈને સેટિંગ કર્યું છે. કુલ 10 મુદ્દાઓ આ પત્રમાં લખ્યા છે જેમાં ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ સવાલોના ઘેરામાં આવ્યા છે.
સાંસદે વાઈરલ પત્રિકા પર શું પ્રતિક્રિયા આપી?
ખાનગી ચેનલ સાથે વાત કરતા સાંસદ ભારતી શિયાળે કહ્યું હતું કે, મને કશું ખબર નથી. કારણ કે અમારા સુધી હજુ આવી પત્રિકા આવી નથી. સ્વભાવિક છે કે અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, વિરોધ પક્ષો પાસે બીજા કોઈ એજન્ડા ન હોવાથી આવી હિન પ્રવૃત્તિ કરી રહ્યું છે. તો તેમના પતિ ડો. ધીરુભાઈ શિયાળે સમગ્ર મામલે જરૂર પડ્યે પોલીસ તપાસ કરાવશે તેવી પણ વાત કરી હતી.
(ઈનપુટ: નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT