હેતાલી શાહ.આણંદઃ ખેડા જિલ્લામાંથી મોટી માત્રામાં નશાની હેરાફેરી કરતા શખ્સો પર પોલીસે તવાઈ બોલાવી છે. કઠલાલ પોલીસે બાતમીના આધારે કઠલાલના લાડવેલ પાસેના અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી ટ્રકમાંથી લાખોની માત્રામાં પોશડોડાનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે ઘંઉના કટ્ટાની આડમાં લઇ જવાતો પોશડોડાનો 81.68 લાખનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો મધ્યપ્રદેશના મન્સોરથી સૌરાષ્ટ્રના બોટાદ ખાતે જથ્થો લઇ જવાતો હતો. જોકે કઠલાલ પોલીસે રસ્તામાં જ આ ઈસમોને ઝડપી લીધા છે. પોલીસે ટ્રક સાથે કુલ મુદ્દામાલ રૂપિયા 1 કરોડ 1 લાખ 32 હજારનો જપ્ત કરી ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી કુલ 5 શખ્સો સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
લાલચની પોટલી લઈને ગયા’ને લૂંટાયા, પછી યાદ આવી પોલીસઃ સુરતના સોની જોડે જબરું થઈ ગયું
પહેલા તો ટ્રકમાંથી મળ્યા ઘઉં પણ પછી…
છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ ઈન્દોર હાઇવે પર અસામાજિક પ્રવૃત્તિઓની હેરાફેરીની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને પોશડોડાની હેરાફેરી આજ હાઇવે પરથી કરાતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એવામાં ખેડા જિલ્લાની કઠલાલ પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાન પાસીંગની એક ટ્રક નં. RJ 14 GB 9617 માં વનસ્પતિ જન્ય પોશડોડા જેવો કેફી પદાર્થ ગેરકાયદેસર રીતે ભરી ઇન્દોર – અમદાવાદ હાઇવે રોડ ઉપર કઠલાલ થઇને અમદાવાદ તરફ જનાર છે. જે બાતમીના આધારે કઠલાલ પોલીસની ટીમ અમદાવાદ ઈન્દોર હાઇવે રોડ પર આવેલ લાડવેલ પીકઅપ સ્ટેન્ડ ખાતે વોચમાં ગોઠવાઈ હતી. દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે ટ્રકને અટકાવી, ટ્રકની તપાસ હાથ ધરી હતી. સૌ પ્રથમતો ટ્રકમાંથી પોલીસને ઘઉંના કટ્ટા મળી આવ્યા હતા. જોકે ચોક્કસ બાતમી હોય પોલીસે ઘંઉના કટ્ટા ઉથલાવી જોતાં 125 નંગ પ્લાસ્ટીકની કોથળીઓમાં ભરેલા 2770 કિલો 800 ગ્રામ નસીલા વનસ્પતિ જન્ય પોસડોડા કિમત રૂપિયા 81 લાખ 68 હજાર 400નો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોકી ગઈ હતી. પોલીસે પોશડોડાનો જથ્થો, ટ્રક, ઘઉંના કોથળા, રોકડા રૂપીયા 18 હજાર 300 સહિત કુલ રૂપિયા 1 કરોડ 1 લાખ 32 હજારનો મુદ્દામાલ જપ્ત કરી, રાજસ્થાનના ભીલવાડાના જામોલીનો ટ્રકના ચાલક અને ક્લીનર ગ્યારસી કલ્યાણ રેગર અને નેમી કલ્યાણ રેગરની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમા રાજસ્થાનના અસલમ નૂર નામના ઈસમે અને નેમી કલ્યાણ રેગરે મધ્યપ્રદેશના મનસોર ખાતેથી ટ્રકમાંથી પોશડોડાનો જથ્થો મોબાઇલ નંબર વાળી વ્યક્તિ પાસેથી ટ્રકમાં ભરી આપ્યો હતો અને ગુજરાતના સૌરાષ્ટ્ર ખાતેના બોટાદ દેવધરી પાસે એક વ્યક્તિને પહોંચાડવાનો હતો. આ બાબત સામે આવતા પોલીસે કુલ 5 સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે કે, અમદાવાદ ઈન્દોર હાઈવે રોડ નશીલા માદકદ્રવ્યોની હેરાફેરી માટેનુ સોફ્ટ ટાર્ગેટ રૂટ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી પોલીસ આ રોડ પર પેટ્રોલિંગ કરી નશીલા માદક દ્રવ્યો તથા દારૂની હેરાફેરી પર સકંજો કસી રહી છે. એટલું જ નહીં ખેડા જિલ્લા હદ વિસ્તારમાં પોલીસની ત્રણેક જેટલી ચેકપોસ્ટ પણ આવેલી છે છતાંય આવા તત્વો કોઈના પણ ડર વગર આવી હેરાફેરીને અંજામ આપી રહ્યા છે.
ADVERTISEMENT