જીતેશ ચૌહાણ/પોરબંદર: અરબ સાગરમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાની ગુજરાતમાં તીવ્ર અસર જોવા મળી રહી છે. ગુજરાતનો દરિયામાં વાવાઝોડાના પગલે છેલ્લા બે દિવસથી મહાકાય મોજા આવી રહ્યા છે. ઘણી જગ્યાએ દરિયાનું પાણી અંદર સુધી આવીને ઘરો સુધી પહોંચી ગયું છે. ત્યારે પોરબંદરમાં ચોપાટીના દરિયા કિનારે આવેલા ઈન્દ્રેશ્વર મહાદેવના મંદિરમાં દરિયાદેવ જાણે મહાદેવને નમન કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
ADVERTISEMENT
ચોપાટી કાંઠે દરિયો બન્યો ગાંડોતૂર
પોરબંદરના ચોપાટી ખાતે દરિયા કિનારે ઈન્દ્રેશ્વર મહાદેવનુ મંદિર આવેલું છે. દરિયામાં આવેલા વિશાળ મોજાના કારણે મંદિરમાં મોટું નુકસાન થયું હતું. ઊંચી લહેરોના કારણે દરિયાદેવ પાળ તોડીને ઈન્દ્રશ્વર મહાદેવને નમન કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બે દિવસ પૂર્વે દરિયાના મોજાના કારણે દિવાલ ધરાશાઈ થઈ હતી. તો ગઈકાલે રાત્રે પથ્થરો ટુકડા પાણીમાં તણાઈને મંદિરની અંદર પડયા હતા. દરિયો તોફાની બનતા હાલ મંદિર બંધ કરી દેવામા આવ્યું છે. તો મંદિર નજીકના રસ્તા પર ભેખડના ટુકડા ઉડીને રસ્તા પર પડયા છે તેમજ ચોપાટીની હાલત પણ દયનીય બની છે.
દ્વારકાધીશ મંદિરમાં પણ ધ્વજા ખંડિત થઈ
બીજી તરફ દ્વારકાના જગતમંદિરમાં બિપોરજોય વાવાઝોડાના કારણે બે દિવસથી ધજા ચડાવવાનું બંધ કરવામાં આવ્યું છે. હાલ પણ દરિયામાં ખૂબ જ તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો છે. એવામાં મંદિરના શિખર પર ચઢાવવામાં આવેલી 52 ગજની ધજા ખંડિત થઈ ગઈ છે. મંગળવારે ધજા ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી અને બાદમાં તેને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવી હતી. મંદિરમાં આજે પણ ધજા ચઢાવવામાં આવી નથી અને 16મી જૂન સુધી વાવાઝોડાનું સંકટ ન ટળે ત્યાં સુધી ધજા ચઢાવવામાં આવશે નહીં.
ADVERTISEMENT