Porbandar News: નવરાત્રીમાં માતાજીના આરાધના થાય તે ગરબાના મેદાનમાં જ હત્યાનો બનાવ સામે આવ્યો છે. પોરબંદરમાં ગરબા આયોજકોએ પહેલું ઈનામ જીતેલી છોકરીના પિતાને ગરબા ગ્રાઉન્ડમાં લઈ જઈને બેરહેમીપૂર્વક માર મારતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
દીકરીને ગરબામાં જીતેલું એક ઈનામ ઓછું મળ્યું
વિગતો મુજબ, પોરબંદરમાં રોકડિયા હનુમાન મંદિર પાછળ ક્રિષ્ના પાર્કમાં રહેતા માલીબેન ઓડેદરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની 11 વર્ષની દીકરી કૃપાલી સુકૂચિ સ્કૂલની પાછળ ગરબી ચોકમાં ગરબા રમવા ગઈ હતી. છેલ્લા નોરતે કૃપાલીને ગરબામાં બે કેટેગરીમાં પ્રથમ ઈનામ મળ્યું હતું. જોકે તેને એક જ ઈનામ મળ્યું હતું. જ્યારે તેના માતા માલીબેન તેને લેવા 12 વાગ્યે ત્યાં પહોંચ્યા ત્યારે દીકરીએ તેમને એક ઈનામ ઓછું મળ્યું હોવાનું જણાવ્યું.
સવાલ પૂછતા જાનથી મારી નાખવાની ધમકી મળી
આથી તેઓ ગરબીના આગેવાન રાજુભાઈ કેશવાલા પાસે ગયા હતા અને દીકરીને એક ઈનામ ઓછું મળવા અંગે વાત કરી હતી. આથી રાજુભાઈએ તેમને કહ્યું કે, અહીંથી જે ઈનામ મળતા હશે તે જ મળશે. તમને જોઈતું હોય તો લઈ લો નહીંતર અહીંથી જતા રહો. અચાનક તેમની પત્ની અને અન્ય મહિલા પણ ત્યાં આવી અને બોલાચાલી કરવા લાગી. ગરબી આયોજક રામદેવ બોખીરીયા પણ ત્યાં આવ્યા અને બોલાચાલી કરવા લાગ્યા. બાદમાં મહિલાઓએ ત્યાંથી જતા રહેવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઘરે આવીને મહિલાને પતિ પર હુમલો
બાદમાં માલીબેન દીકરીને લઈને ઘરે જતા રહ્યા. તેઓ રાત્રે 2 વાગ્યે પોતાના પતિ સરમણ ઓડેદરા સાથે ઘરની બહાર ખાટલામાં બેઠા હતા. ત્યારે 3-4 બાઈક પર રાજુ કેશવાલા સહિત કેટલાક શખ્સો આવ્યો અને પતિ સરમણને લાકડી-ધોકાથી માર મારવા લાગ્યા. માલીબેન વચ્ચે પડતા તેમને પગમાં ધોકો માર્યો હતો. ગભરાઈને તે ઘરમાં જતા રહ્યા. બાદમાં શખ્સો સરમણને બાઈક પર પોતાની સાથે ગરબી ચોકમાં લઈ ગયા અને ત્યાં પણ માર માર્યો હતો.
બાદમાં પોલીસ સાથે માલીબેન ત્યાં પહોંચતા પતિ લોહીલુહાણ હાલતમાં હતા, આથી 108 એમ્બ્યુલન્સમાં પતિને દવાખાને મોકલી પોતે પોલીસ સાથે સિવિલ હોસ્પિટલ જઈ રહ્યા હતા. ત્યારે હોસ્પિટલમાંથી જાણ કરાઈ તે તેમના પતિનું ઈજાઓના કારણે મોત થઈ ગયું છે. સમગ્ર ઘટના મામલે તેમણે 8 લોકો સામે પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાવ્યો છે.
ADVERTISEMENT