પોરબંદરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને લઈને તમામ પક્ષો એક બીજાને નીચે દેખાડવા તથા પોતાને ઉચ્ચ દર્શાવવા સતત પ્રયાસો કરી રહ્યા છે. દરમિયાનમાં ક્યાંક ધાક ધમકીઓ પણ અપાતી હોવાની ફરિયાદો ઉઠી છે. પોરબંદર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખે મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે. જોકે અહીં કોઈ ઉમેદવાર સામે ફરિયાદ હોવા કરતાં મુખ્ય ફરિયાદ તેમની ચીફ ઓફિસર અને છાયા પાલિકા પ્રમુખ સામે છે.
ADVERTISEMENT
ચૂંટણી અધિકારીને જાણ હોવા છતા કાર્યવાહી નહીં
બાબત એવી છે કે, ગુજરાત વિધાનસભા બેઠકો પર સતત ચૂંટણી પ્રચાર અને પ્રસારના ધમધમાટ વચ્ચે ગત સાંજથી પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થયા છે. 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું હોવાથી નિયમ પ્રમાણે હવે ત્યાં પ્રચાર પ્રસારની કામગીરી થઈ શકે નહીં. જોકે પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે હમણાં ચૂંટણી કમિશનરને રજૂઆત કરી છે. જેમાં તેમણે પોરબંદર છાયા પાલિકાના પ્રમુખ સુરજ કારિમીયા અને ચીફ ઓફીસરની કામગીરીને લઈને રોષ ઠાલવ્યો હતો. તેમણે આ બંને સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. તેમની રજૂઆત પ્રમાણે ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયા પછી સફાઈ કર્મચારીઓની મિટિંગ બોલાવી અને ભાજપ તરફી મતદાન કરવા ધમકી આપી છે. પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારીને આ બેઠક અંગે અગાઉથી જાણ હોવા છતા તેમણે કોઈ કાર્યવાહી નથી કર્યાની પણ તેમણે રજૂઆત કરી છે.
(વીથ ઈનપુટઃ અજય શીલુ, પોરબંદર)
ADVERTISEMENT