અમદાવાદઃ આપણે જાણીએ છીએ કે જાહેર વિજ્ઞાપનોમાં ઘણી વખત પ્રોડક્ટ અને બાળકને સીધું કોઈ લેવાદેવા ન હોવા છતા તે પ્રોડક્ટની જાહેરાતમાં બાળક દર્શાવાય છે. બાળકોની ક્યૂટ, નિર્દોષ, નિઃસ્વાર્થ ચહેરાની છબીની લોકોના માનસ પર કેવી અસર થાય છે તે ધંધાદારીઓ સારી રીતે જાણે છે. જે માસુમ ચહેરાનો ટેકો લઈ ધંધો ચમકાવતા પણ તેમને સારી રીતે આવડે છે. આપણે આ બાબત સહુ કોઈ જાણીએ જ છીએ પરંતુ હાલમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તમામ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી છે. રાજકીય પક્ષો અને તેના ધુરંધર નેતાઓ અહીં તહીં, આમ તેમ, ગમે ત્યાં ચૂંટણી પ્રચાર કરવાની એક તક છોડતા નથી. મતદારનું મહત્વ તે તમામ જાણે છે અને તે મતોને પોતાની તરફ કરવાના બધા જ હથકંડા અપનાવાઈ રહ્યા છે. ધર્મ હોય, શિક્ષણ હોય, ફ્રીની વાત હોય કે પછી દેવા માફીની જે વાયદો પ્રજાને આકર્ષી જાય તે બધા જ વાયદા અને વચનો કરવામાં આવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી બાળકો પણ રાજકીય નેતાઓની આસપાસ જોવા મળી રહ્યા છે. સ્ટેજ હોય કે તેમના સોશિયલ એકાઉન્ટ્સ હોય. બાળકોના ચહેરા સાથે પોતાનો ચહેરો મુકીને માસુમ વીડિયો કે ફોટો સાથે તેઓ જાહેર મંચ પર જાહેરાતો કરી રહ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રિવાબાથી માંડીને ઓવૈસી પણ જોવા મળ્યા છે.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી
સૌ પ્રથમ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરેન્દ્રનગર આવ્યા હતા ત્યારે ભાજપના જ ઉમેદવારની સંબંધી થતી એક દીકરી આધ્યા સાથેનો તેમનો વીડિયો તમે જોયો હશે. વીડિયોમાં તેઓની સાથે ઊભેલી દીકરી ભાજપ અને તેના માટે વોટ અને તેના માટે પ્રચાર કેવી રીતે કરે છે તે પણ જોયું હતું. લગભગ આ વીડિયો જોનારા તમામ દીકરીની વાકપટુતાથી અચંબીત થઈ ગયા હતા. ખુદ મોદીને પણ દીકરીની વાતો પ્યારી લાગી હતી. તેમણે તેને ઓટોગ્રાફ આપ્યો હતો. જોકે તે પ્રચાર વખતે પણ દીકરીની માસુમીયત સાથે ચૂંટણીનો પ્રચાર થયો હતો.
રિવાબા જાડેજા
હાલાર માજી સૈનિક મંડળ સ્નેહ મિલન સહિતના કાર્યક્રમોમાં રિવાબા જાડેજા સાથે બાળકો દૃશ્યમાન થયા છે. અહીં સુધી કે તેમણે મત માગવા માટે જે સોશિયલ મીડિયા પોસ્ટર બનાવ્યું તેમાં પણ બાળક સાથેની પોતાની તસવવીર દર્શાવી હતી. જેમાં તેમણે આગામી વિધાનસભામાં મત આપો વગેરે જેવા લખાણ લખી એક સરસ આકર્ષક દેખાય તેવા લુક સાથે રજૂ કરીને સોશિલય મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં ત્રણ તસવીરો પણ હતી જે પૈકીની એક તસવીરમાં તેઓ એક બીલકુલ નાના ભુલકાને તેડી લાડ લડાવતી મુદ્રામાં દેખાય છે. બાળક સાથેની આ ક્યૂટ તસવીર લોકોના મનમાં એક અલગ છાપ ઊભી કરતી હોય છે.
ગોધરામાં ઓવૈસીની સભા
હજુ હમણા જ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની ગોધરામાં સભા થઈ હતી. દરમિયાન તેમણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પોતાના આગ વરસાવતા શબ્દોથી પ્રહારો કર્યા હતા. જંગી મેદની આ કાર્યક્રમમાં હાજર હતી ત્યારે એક બાળક દ્વારા અહીં સ્પીચ પણ આપવામાં આવી હતી અને ઉમેદવાર માટે મત માગવામાં આવ્યા હતા. સ્ટેજ પર અન્ય બાળકોની પણ સતત અવરજવર રહી હતી. ઓવૈસી તે બાળકો સાથે હળવી વાતચિત કરતા જોવા મળ્યા હતા. જોકે ચૂંટણીમાં અહીં પણ બાળકના મોંઢે પાર્ટીની વાહવાઈ અને પ્રચાર પ્રસાર થયા હતા.
ગેનીબેન ઠાકોર
આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ પણ ક્યાં પાછા પડ્યા છે. કોંગ્રેસના વાવ વિધાનસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા પણ જ્યારે ચૂંટણી કેમ્પેઈન કરવામાં આવ્યું ત્યારે શાળાના બાળકો સાથેનો પોતાનો ખુશખુશા મુદ્રામાં ફોટો પડાવવામાં આવ્યો હતો અને તે પછી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયો હતો. ખુદ ગુજરાત કોંગ્રેસ દ્વારા પોતાના ઓફિશ્યલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેને પોસ્ટ કરવામાં આવ્યો હતો.
AAPના CM ફેસ ઈસુદાન ગઢવી
ઉપરાંત જ્યારે બધા જ રાજકીય નેતાઓ હોય ત્યાં આમ આદમી પાર્ટી ક્યાં બાકી રહી જવાની હતી. આમ આદમી પાર્ટીના સીએમ ફેસ અને જામખંભાળિયા બેઠકના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ પણ થોડા દિવસો પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્લો મોશન સાથેનો એક વીડિયો મુકવામાં આવ્યો હતો જેમાં બાળકો સાથે તેઓ ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા. તેમાં લખાયું હતું કે બાળકોના પ્યારા ઈસુદાન ગઢવી. બાળકો સાથેની આ માસુમ પળને પણ ચૂંટણી દરમિયાન અસરકારક રીતે દર્શાવાઈ હતી.
જીતુ વાઘાણી
ઉપરાંત ભાજપના નેતા અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ હાલમાં કમાને પોતાના ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવ્યા છે. એક માનસિક અસ્વસ્થ કમાની સરખામણી હમણા જ થોડા દિવસ પહેલા અંબાજીમાં આવેલા ભાજપના નેતાએ કોંગ્રેસના રાહુલ ગાંધી સાથે કરી ત્યારે તો ભાજપના નેતાઓ ભારે હાહા…હીહી… કરતા હતા અને તેના પછી કોંગ્રેસ પણ જાણે રાહુલ ગાંધીનું અપમાન થઈ ગયું હોય તેમ અંબાજીમાં ભાજપના નેતાના આ નિવેદનનો વિરોધ કરીને નારાજગી વ્યક્ત કરતું હતું. જોકે તે પછી ભાજપના જ નેતાએ તેમની માસુમ છબી સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જોકે તે ઉપરાંત પણ તેમણે થોડા જ સમય પહેલા એક માસુમ બાળકનો વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ ખુરશી પર બેઠા હતા ઠાઠથી અને તેમની સામે બાળક બોલતું હતું. આ વીડિયો સાથે તેમણે લખ્યું હતું કે બચ્ચા બચ્ચા બોલતા હૈ, મોદી મોદી મોદી…
ADVERTISEMENT