સુરત: સુરત શહેરમાં ગઈકાલે એક રત્નકલાકાર પિતાના આપઘાત બાદ નોંધારી બનેલી 6 વર્ષની બાળકી માટે પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પિતાના મોત બાદ એકલી પડી ગયેલી બાળકી માટે મહિલા PSI પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને હવે તે આ બાળકીની યશોદા બનીને દેખરેખ રાખી રહ્યા છે.
ADVERTISEMENT
ભાવનગરથી આવેલા રત્નકલાકારે બાળકીને સુવડાવી કર્યો આપઘાત
સુરતના સારોલી BRTSથી વનમાળી જંક્શન BRTS બસ સ્ટેન્ડની વચ્ચે કેનાલની બાજુ આંબાના ઝાડ પાસે એક ભાવનગરથી આવેલા રત્નકલાકારે આશરો લીધો હતો. ધર્મેન્દ્ર રાઠોડ નામના આ વ્યક્તિના પત્નીનું અગાઉ અવસાન થઈ ગયું હતું અને તે 6 વર્ષની દીકરીને લઈને સુરત આવ્યો હતો. જોકે રાત્રે દીકરીને સુવડાવીને પોતે ઝાડ પર દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો. બીજા દિવસે સવારે મોર્નિંગ વોક પર નીકળેલા લોકોની નજર પડતા તેમણે પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસને મૃતકના ખિસ્સામાંથી એક ડાયરી પણ મળી હતી.
મહિલા PSI રાખી રહ્યા છે બાળકીનું ધ્યાન
આમ માતા બાદ પિતાના નિધનથી 6 વર્ષની માસુમ બાળકી અનાથ થઈ ગઈ હતી. ત્યારે પોલીસ બાળકીને પોતાની સાથે સરથાણા પોલીસ લઈ આવી હતી. અહીંના મહિલા PSI બી.ડી મારુ બાળકીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા અને રાત્રે પોતાની સાથે તેમના ઘરે લઈ ગયા હતા. જ્યાં તેની સારી રીતે કાળજી રાખવામાં આવી હતી અને બીજા દિવસે ફરી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. હાલમાં પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ આ બાળકીને કોઈ તકલીફ ન પડે તેનું સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યો છે.
ADVERTISEMENT