કૌશિક જોશી/વલસાડ: પારડી તાલુકાના પાર નદી કિનારે એક કારમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની (Vaishali Balsara) શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઊભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી, જેથી પારડી પોલીસે ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી શંકાસ્પદ હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. વૈશાલીના પતિએ ગત રોજ વૈશાલી ઘરેથી ગુમ થઈ હોવાની નોંધ કરાવી હતી. આ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વૈશાલીનું ગળુ દબાવીને હત્યા કરાઈ હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે.
ADVERTISEMENT
સિંગરના પતિએ પત્નીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી
હાલમાં આ સમગ્ર મામલે પારડી પોલીસે મૃતદેહનો કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. સિંગર વૈશાલીના પતિએ એક દિવસ પહેલા જ પત્ની ઘરેથી ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના એક દિવસ બાદ જ ગાયિકાનો મૃતદેહ કારમાંથી મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે.
ફ્રેન્ડ પાસેથી પૈસા લેવા નીકળી હતી વૈશાલી
ઘટના વિશે વલસાડ પોલીસના ડી.વાય.એસ.પી, વી.એન.પટેલ જણાવ્યું હતું કે, પાર નદી કાંઠે એક કારમાં મહિલા મૃત હાલતમાં પડી હોવાની જાણકારી મળી હતી. જેથી પોલીસે તપાસ કરતા કાર મૃત મહિલાના નામે હતી. મહિલા કારમાં પગ મૂકવાની જગ્યાએ લાશ પડી હતી. મહિલા અને તેના પતિ સ્ટેજ શો કરે છે અને તેમણે 2011માં લગ્ન કર્યા હતા અને સંતાનમાં તેમને બે દીકરીઓ છે. મહિલા સાંજના ઘરેથી ફ્રેન્ડ બબીતાબેન પાસેથી પૈસા લેવાના છે એમ કહીને ઘરેથી નીકળ્યા હતા.
પોલીસ તપાસમાં FSL પણ જોડાઈ
ઘટનાને પગલે હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ડોગ સ્ક્વોડ તથા FSLની મદદ પણ પોલીસ દ્વારા લેવામાં આવી રહી છે. હાલમાં તો સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આ પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે સિંગર વૈશાલી દક્ષિણ ગુજરાતની જાણીતી ઓર્કેસ્ટ્રા સિંગર હતી, તે વિદેશોમાં પણ ઘણા શો કરી ચૂકી છે.
ADVERTISEMENT