હેતાલી શાહ, આણંદ: રાજ્યમાં ચૂંટણી નજીક છે ત્યારે દારૂબંધી અંગે રાજકારણ ગરમાયું છે. નેતાઓના દારૂબંધી અંગે નિવેદનો આવી રહ્યા છે. ત્યારે એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે અને બીજી તરફ ગુજરાતમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફીલો પણ ઝડપાઈ રહી છે. આવી જ એક હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના માનપુરા ગામે મોડી રાત્રે ઝડપાઈ છે.
ADVERTISEMENT
ગુજરાતમાં દારૂની મહેફિલ જાણે સામાન્ય બાબત થઈ ગઈ હોય તેમ દારૂની મહેફીલો ઝડપાઈ રહી છે. થોડા દિવસ પહેલા પણ આણંદ જિલ્લામાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી અને જેમાં પણ નબીરાઓ મહેફીલ માણતા ઝડપાયા હતા. ત્યારે આજે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના માનપુરા ગામમાં મોડી રાત્રે પોલીસે ફાર્મ હાઉસમાંથી દારૂની મેફીલ માણતા 25 જેટલા લોકોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર માનપુરાના ગ્રીન ટોન નામના ખાનગી ફાર્મ હાઉસમાં આંકલાવ પોલીસે રેડ પાડી હતી.
ખાનગી ફાર્મ હાઉસમાં થઈ પાર્ટી
આંકલાવના માનપુરા ગામના ગ્રીન ટોન ખાનગી ફાર્મ હાઉસમાંથી પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી છે. ફાર્મ હાઉસમાં યુવતીની બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. દારૂની આ મહેફિલમાં નબીરાઓ ઝડપાયા છે. 15 યુવકો અને 10 યુવતીઓ દારૂની પાર્ટીમાં ઝડપાયા છે. આ સાથે પોલીસે દરોડામાં દારૂની 10 બોટલો પણ જપ્ત કરી છે. તમામ આરોપીઓની આંકલાવ પોલીસે ધરપકડ કરી લીધી છે.
પોલીસે દારૂની મહેફિલ માણતા 25 જેટલા નબીરાઓ જેમાં 15 યુવકો અને 10 યુવતીઓને ઝડપી પાડી છે. તેમની સાથે થી દારૂની 10 બોટલો જેમાં ત્રણ ભરેલી બોટલ, પાંચ ખાલી બોટલ અને બે અડધી બોટલ પોલીસે જપ્ત કરી છે. એક મહિલાના જન્મદિવસ નિમિત્તે આ દારૂની મહેફિલ જામી હોય તેવું જાણવા મળી રહ્યું છે. હાલ તો આ તમામ નબીરાઓ વડોદરા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હાલ આ તમામ નબીરાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT