ગાંધીનગર : ગુજરાત પોલીસ જવાનો, હેડ કોન્સ્ટેબલ અને ASI ની લાંબા સમયથી માંગ હતી કે, તેમને ઉચ્ચ ગ્રેડ પે આપવામાં આવે. આ અંગે તેમણે આંદોલન પણ કર્યું અને ત્યાર બાદ સરકાર દ્વારા પોલીસ પરિવાર બનાવ્યો અને ગ્રેડ પે અંગે કામગીરી ચાલી રહી હોવાની બાંહેધરી આપી. જો કે આખરે ચૂંટણી નજીક આવતા આક્રમક થયેલી આમ આદમી પાર્ટીએ મુદ્દો ઉઠાવ્યો અને આખરે પોલીસને ગ્રેડ પે તો ન મળ્યો પરંતુ રાહત સ્વરૂપે એક 550 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું. જેના હેઠળ કોન્સ્ટેબલથી માંડીને ASI ને 5 હજારથી માંડીને 3 હજાર સુધીનો પગાર વધારો આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
પગાર વધારો મળ્યો પણ સાથે એક ફંદો પણ લટકતો હતો
જો કે આ વધારાની સાથે પોલીસની કાંડા કાપવા માટેની એક યોજના પણ તૈયાર થઇ હતી. જેના અંતર્ગત જેને પગાર વધારો મળ્યો તે દરેક જવાનો એક બાંહેધરી પત્રમાં સાઇન કરવાની હતી. જેમાં ઉલ્લેખ હતો કે તેમને જે પગાર વધારો મળ્યો છે તેનાથી તેઓ ખુશ છે. જેથી હવે તેઓ આગામી સમયમાં ક્યારે પણ ગ્રેડ પે કે અન્ય કોઇ પણ પ્રકારનાં આંદોલનમાં નહી જોડાય. જો જોડાય છે તો સરકાર કે પોલીસ વિભાગ દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવે તે તેમને બાધ્ય રહેશે.
પોલીસ જવાનોના કચવાટ બાદ ફરી આંદોલન બેઠુ થાય તે પહેલા સરકારે લીધો નિર્ણય
જો કે પોલીસ જવાનોમાં આ બાંહેધરી પત્રક મુદ્દે કચવાટ હતો. તેમનું કહેવું હતું કે, હાલ તો તેઓ ગ્રેડ પે નહી મળી શકવાનાં કારણે વચગાળાની રાહતથી જ કામ ચલાવી રહ્યા છે. પરંતુ પોલીસ અધિકારીઓ દ્વારા બાંહેધરી પત્રક દ્વારા તેમના કાંડા કાપી લેવાની વાત કરે છે. આમાં તેઓ સહી કરશે તો ભવિષ્યે કોઇ પણ પ્રકારની માંગ કરી શકશે નહી. યુનિફોર્મ ફોર્સ ઉપરાંત આ બાંહેધરી પત્રક તેમના માટે બીજુ બંધન બની જશે.
પોલીસ જવાનો માટે મોટી રાહતના સમાચાર
જો કે આખરે આજે એક ખાનગી ચેનલના એક કાર્યક્રમમાં સી.આર પાટીલે જાહેરાત કરતા જણાવ્યું કે, પોલીસ જવાનોએ આવા કોઇ બાંહેધરી પત્રકમાં સહી કરવાની જરૂર નથી. પોલીસ જવાનોની સમસ્યા અમારા ધ્યાને આવી છે. જેથી ટુંક જ સમયમાં ગૃહ વિભાગ દ્વારા તેની અધિકારીક જાહેરાત કરવામાં આવશે. પરંતુ પોલીસ જવાનોને હું આશ્વસ્ત કરવા માંગુ છું કે, સરકાર તમારી સાથે અને પડખે હતી છે અને રહેશે. તમારે ક્યાંય સહી કરવાની જરૂર નથી. ટુંક સમયમાં આદેશ આવી જશે.
ADVERTISEMENT