અમદાવાદમાં AMCના પાર્કિંગમાં વૈભવી કારોમાંથી 1 હજાર બોટલ દારૂ મળ્યો, પાર્કિંગમાં જ દારૂ વેચાતો

અમદાવાદ: ગુજરાતમાં કડક દારૂબંધી વચ્ચે પણ છાકટા થયેલા બુટલેગરો અવનવા કીમિયાઓ શોધીને દારૂની હેરાફેરી કરી રહ્યા છે. અમદાવાદમાં AMCના મલ્ટિલેવલ પાર્કિંગને જ બુટલેગરોએ દારૂનો અડ્ડો…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં કડક દારૂબંધી વચ્ચે પણ છાકટા થયેલા બુટલેગરો અવનવા કીમિયાઓ શોધીને દારૂની હેરાફેરી કરી રહ્યા છે. અમદાવાદમાં AMCના મલ્ટિલેવલ પાર્કિંગને જ બુટલેગરોએ દારૂનો અડ્ડો બનાવી દીધો હોવાનું સામે આવ્યું છે. જેમાં પાર્કિંગમાં મોંઘીદાટ ગાડીઓ રાખીને તેમાં જ દારૂને સંતાડી રાખતા અને ત્યાંથી ગ્રાહકોને ડિલિવરી આપતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે નવરંગપુરામાં મલ્ટિલેવલ કાર પાર્કિંગમાં દરોડો પાડતા કારમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો.

મોંઘી કારોમાં સંતાડ્યો હતો દારૂ
વિગતો મુજબ, અમદાવાદના નવરંગપુરામાં AMCના મલ્ટિલવલ પાર્કિંગમાં દારૂ સંતાડાયો હોવાની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે અહીં તપાસ હાથ ધરી હતી. જોકે બે કલાક બાદ પણ પોલીસને દારૂ મળ્યો નહોતો. બાદમાં પોલીસની નજર પાર્કિંગમાં પડેલી ફોર્ચ્યુનર, ઈનોવા, i20 તથા અર્ટિગા કાર પર પડી. જેમાં તપાસ કરતા આ વૈભવી કારમાંથી 918 દારૂની બોટલ અને 96 બીયરના ટીન મળીને 1.33 લાખનો દારૂ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે દારૂ તથા વૈભાવી કાર સહિત 76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પાર્કિંગમાંથી જ દારૂનું વેચાણ કરાતું
મીડિયા રિપોર્ટ્સ મુજબ, બુટલેગરો મલ્ટિલેવલ પાર્કિંગમાં જ કાર મૂકી રાખતા હતા અને અહીંથી જ દારૂનો ધંધો ચલાવતા. દારૂનો જથ્થો લેવા જવાનું હોય ત્યારે કારને બહાર કાઢતા. આ સિવાય કોઈ ગ્રાહક આવે તો તેને પાર્કિંગમાં જ વાહન સાથે બોલાવીને ત્યાંથી દારૂ આપી દેવામાં આવતો હતો. ત્યારે AMCના પાર્કિંગમાં જ દારૂનો ધંધો ચાલતા જોઈને પોલીસે પણ ચોંકી ઉઠી હતી.

ક્રેન દ્વારા ગાડીઓ લઈ ગઈ પોલીસ
દારૂ ભરેલી ગાડીઓ લોક કરેલી હોવાથી પોલીસે ક્રેન બોલાવવી પડી હતી. ક્રેન દ્વારા આ ગાડીઓને ટો કરીને ક્રાઈમ બ્રાન્ચ સુધી લઈ જવામાં આવી હતી. હાલમાં પોલીસે આ ગાડીઓ કોના નામની છે તથા કેટલા સમયથી તેમાં દારૂ રાખવામાં આવ્યો હતો અને તે ક્યાંથી લવાયો સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે.

    follow whatsapp