અમદાવાદ: અમદાવાદ શહેરમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા વિવિધ સ્થળોએ PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટર્સમાં ‘મોદી હટાવો, દેશ બચાવો’ના સૂત્રો લખવામાં આવ્યા હતા. ઘટના બાદ શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને આ મામલે 8 જેટલા લોકો સામે ફરિયાદ નોંધીની તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
પોસ્ટર્સ લગાવનારા વિરુદ્ધ 8 ફરિયાદ નોંધાઈ
અમદાવાદમાં ગુરુવારે ઈસનપુર, વટવા, મણીનગર, નારોલ, વાડજ તથા એરપોર્ટ વિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા કુલ 8 જેટલા વ્યક્તિ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 8 ફરિયાદો નોંધવામાં આવી છે અને વાંધાજનક પોસ્ટરો લગાડીને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાનું અપરાધિક કૃત્ય કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
AAP દ્વારા પોસ્ટર્સની તસવીર શેર કરાઈ હતી
નોંધનીય છે ક, AAP દ્વારા આ પોસ્ટરોની તસવીરો પોસ્ટ કરીને લખવામાં આવ્યું હતું કે, અમદાવાદમાં ઠેર-ઠેર લાગ્યા “મોદી હટાવો, “દેશ બચાવો” ના બેનરો. આ જ લખાણ સામે ભાજપના ઇશારે દિલ્હીમાં 100થી વધુ FIR નોંધવામાં આવેલી, અમદાવાદમાં લાગેલા બેનર્સએ સાબિત કર્યું કે જનતા તાનાશાહી સામે ઝૂકશે નહીં. સાથે જ AAPના પ્રદેશ પ્રવક્તા ઈસુદાન ગઢવીએ પણ આ તસવીરો પોસ્ટ કરી હતી.
અગાઉ દિલ્હીમાં આ પ્રકારના પોસ્ટર્સ લાગ્યા હતા
ખાસ વાત છે કે, તાજેતરમાં જ દિલ્હીમાં આ પ્રકારના PM મોદી વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જે બાદ દિલ્હી પોલીસ એક્શનમાં આવી હતી અને આ મામલે 6 લોકોની અટકાયત કરી હતી. જ્યારે 100 જેટલી FIR નોંધવામાં આવી હતી. બાદમાં AAPની ઓફિસમાંથી નીકળેલી એક વાનને પણ પોલીસે અટકાવીને તપાસ લેતા અંદરતી આ પ્રકારના વધુ પોસ્ટરો મળી આવ્યા હતા
ADVERTISEMENT