અમદાવાદ: શહેરમાં ચોમાસા દરમિયાન અનેક રસ્તાઓ પર ભુવા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. રોડ પરના ખાડાઓના કારણે શહેરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કમર દર્દના દર્દીઓમાં 10થી 15 ટકા જેટલો વધારો થયો છે. ત્યારે ખાડાનગરી બની ગયેલા શહેરમાં કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં સહી કરો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જોકે પોલીસ દ્વારા આ ઝુંબેશ માટે મંજૂરી ન અપાતા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
AMCના વિપક્ષના નેતા શહેઝાદ પઠાણે કહ્યું કે, શાસક પક્ષ અને વહીવટી તંત્ર પ્રીમોન્સૂન પ્લાનની કામગીરી નિષ્ફળ ગઈ છે. સામાન્ય વરસાદમાં શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હતું. પાણીનો યોગ્ય નિકાલ થયો નહોતો. તંત્રની ઉદાસીનતાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર શાસક પક્ષ કોર્પોરેશનમાં તદ્દન નિષ્ફળ જતા કોંગ્રેસ પક્ષના તમામ કોર્પોરેટર હાજર રહીને લોક મત મેળવવાના ભાગ રૂપે સહી ઝુંબેશ કાર્યક્રમ કર્યો હતો.
સહી ઝુંબેશ દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે વિપક્ષ નેતાઓ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ શાસક પક્ષના ઈશારે કામ કરીને લોકશાહીનું ખૂન કરવાનું કામ કરી રહી હોય એમ દેખાઈ રહ્યું છે.
નોંધનીય છે કે, શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કમર દર્દ, મણકાની ગાદી ખસી જવી સહિત ઓર્થોપેડિક કેસમાં 10થી 15 ટકા કેસમાં વધારો નોંધાયો છે. તબીબો મુજબ રસ્તા પર ખાડા આવે તો વાહન ધીમું હાંકવું જોઈએ.
ADVERTISEMENT