વલસાડ: ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવા કીમિયાઓ અપનાવવામાં આવે છે. પરંતુ પોલીસ બાતમીદારોના નેટવર્કથી આ કીમિયાઓને પણ નિષ્ફળ બનાવે છે. ત્યારે વલસાડમાં બૂટલેગરોએ પણ દારૂ ઘુસાડવા માટે ખાસ તરકીબ અપનાવી હતી, પરંતુ પોલીસ તેમનાથી પણ બે સ્ટેપ આગળ નીકળી અને રીક્ષાના હૂડમાં છુપાવેલા દારૂ સહિત રૂપિયા 1.15 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
ADVERTISEMENT
રીક્ષાના હૂડમાંથી મળ્યો દારૂ
વલસાડ જિલ્લામાં આવેલા ડુંગરીમાં પોલીસ દ્વારા વાહનનું પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જેમાં દમણ તરફથી આવતી એક રીક્ષાને રોકીને તપાસ કરવામાં આવતા રીક્ષાના હૂડમાં સંતાળેલો દારૂ મળી આવ્યો હતો. પોલીસને ડુંગરી કોસ્ટલ હાઈવે પરથી રીક્ષામાં દારૂ સંતાડીને જતા બૂટલેગરો વિશે બાતમી મળી હતી, જે બાદ પેટ્રોલિંગ કરીને આ દારૂ પકડી લેવામાં આવ્યો હતો. બીજી તરફ આ મામલે હવે પોલીસે 5 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
લઠ્ઠાકાંડની ઘટના બાદથી પોલીસ એક્શનમાં
નોંધનીય છે કે, બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડની ઘટના બાદથી ગુજરાત પોલીસ બેબાકળી થઈને જાગી છે. રાજ્યમાં દારૂબંધીની ડ્રાઈવ વધુ કડક કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે. આ માટે પોલીસ ડ્રોનની પણ મદદ લઈ રહી છે. એવામાં હવે સંઘ પ્રદેશ દમણમાંથી દારૂ ઘુસાડવાનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.
(રિપોર્ટર: કૌશિક જોશી)
ADVERTISEMENT