અમદાવાદ: સગીર બાળકોને વાહન ચલાવવા માટે આપતા માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં થોડા દિવસ પહેલા ચંદ્રનગર બીઆરટીએસ કોરિડોરમાં ટુ-વ્હીલર ચલાવી અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ-વ્હીલર પર સવાર 3 સગીરમાંથી એકનું પાંચ દિવસની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ત્યારે હવે પોલીસે આ અકસ્માતમાં એક્શનમાં આવતા સગીર વાહન ચલાવવા આપનારા માતા-પિતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
ADVERTISEMENT
શું હતો મામલો?
ગત 14મી ફેબ્રુઆરીએ ચંદ્રનગર ચાર રસ્તાથી અંજલી ચાર રસ્તા તરફ જતા બીઆરટીએસ કોરિડોરમાં પૂરપાટ ઝડપે વાહન હંકારનારા સગીરનું ટુ-વ્હીલર બીઆરટીએસ બસ સાથે પાછળથી અથડાયું હતું. જેમાં ત્રણેય સગીરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પાંચ દિવસની સારવાર બાદ 14 વર્ષના કૌશિક સોલંકીનું મોત નિપજ્યું હતું.
માતા-પિતાએ દીકરાને આપ્યું હતું વાહન
આ અંગે પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે કૌશિકને ટુ-વ્હીલર ચલાવવા માટે તેના પિતા અંબાલાલ સોલંકી અને માતા ગૌરીબેન સોલંકીએ આપ્યું હતું. ત્યારે સગીર દીકરાને વાહન ચલાવવા આપીને કાયદાનો ભંગ કરવા બદલ પોલીસે માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ADVERTISEMENT