MLA પુત્રનો કોન્સ્ટેબલ પર હુમલાનો મામલો, પોલીસે હોસ્પિટલમાં રહેલા કોન્સ્ટેબલ સામે જ કાર્યવાહી કરી!

નીતિન ગોહિલ/ભાવનગર: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાલિતાણા ચોકડી પાસે આવેલી એક રેસ્ટોરન્ટ નજીક ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર તેમજ પોલીસ કોન્સ્ટેબલને થોડા દિવસ પહેલા સામાન્ય…

gujarattak
follow google news

નીતિન ગોહિલ/ભાવનગર: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાલિતાણા ચોકડી પાસે આવેલી એક રેસ્ટોરન્ટ નજીક ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર તેમજ પોલીસ કોન્સ્ટેબલને થોડા દિવસ પહેલા સામાન્ય બાઇક અથડાયા બાદ માથાકુટ થઇ હતી. જેમાં ધારાસભ્યના પુત્રએ કોન્સ્ટેબલને સમાધાન માટે બોલાવી માર માર્યો હતો. દરમિયાનમાં ગંભીર હાલતે પોલીસ કોન્સ્ટેબલને સારવાર માટે ભાવનગરની સર.ટી.હોસ્પિટલ ખાતે લવાતા કોન્સ્ટેબલે ધારાસભ્યના પુત્ર ઉપર મારમાર્યાના ગંભીર આક્ષેપો કર્યા હતા. જો કે, ધારાસભ્યના પુત્રએ પણ તળાજા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હવે સમગ્ર મામલે ધારાસભ્યના પુત્રની ફરિયાદના આધારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલની થશે ધરપકડ
MLAના દીકરા ગૌરવ ચૌહાણે પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલીયા અને હરેશ પનોત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તળાજા પોલીસે હરેશ પનોતની ધરપકડ કરી છે. જોકે ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ હજી પણ સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે છે જેની પણ આવનારા દિવસોમાં ધરપકડ થશે.

MLAના દીકરાની ફરિયાદ પર કાર્યવાહી
સૌથી મોટી વાત એ છે કે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા નોંધાવેલ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગૌરવ ચૌહાણ કે જેઓ ધારાસભ્યના દીકરા છે તેમની સાથે ઝઘડો થયો હતો જેની દાઝ રાખીને સમાધાન માટે બોલાવેલા હોય ત્યારે તેમને માર મારવામાં આવ્યો હતો. છતાં પણ પોલીસ દ્વારા તેમના પર ગુનો નોંધવામાં આવ્યો નથી. ત્યારે ખાસ જોવાનું રહેશે કે શું આગામી દિવસોમાં પોલીસે ધારાસભ્યના પુત્ર સામે કોઈ પગલા ભરશે કે કેમ? કે પછી રાજકીય દબાણને વશ થઈને પોતાના જ વિભાગના કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવશે?

શું હતો સમગ્ર મામલો?
ભાવનગરના તળાજા ખાતે બે દિવસ પહેલા ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણ પોતાની કાર નં. GJ 14 AP 0753 લઇ તળાજાના દિપ હોટલથી ફાર્મ ટ્રેક વચ્ચે પહોંચતા પાછળથી પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યા અને તેની પાછળ બેઠેલ અજાણ્યો શખ્સ કારને ઓવરટેક કરવા જતા હતા. આ સમયે કોન્સ્ટેબલની મોટર સાયકલ બાજુના ખાળિયામાં ઉતરી જતા કાર ચાલક ગૌરવ ચૌહાણ તેમજ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યા વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ધારાસભ્યના પુત્રએ શૈલેષ ધાંધલ્યાને પાલિતાણા ચોકડી પાસે આવેલ સતનામ ધાબા પાસે સમાધાન માટે બોલાવ્યો હતો.

સમાધાન માટે બોલાવીને કર્યો હુમલો
જેમાં બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થતા સામસામી બાખડ્યા હતા. જેમાં ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણ સહિત છ શખ્સોએ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યાને મારમાર્યો હોવાનો કોન્સ્ટેબલે ગંભીર આક્ષેપ કર્યો હતો. ઉપરાંત શૈલેષ ધાંધલ્યાએ પણ ગૌરવ ચૌહાણ નામના યુવકને મારમાર્યો હોવાની ગૌરવ ચૌહાણે શૈલેષ ધાંધલ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

    follow whatsapp