Kheda News : ગુજરાતમાં વધારે એક શંકાસ્પદ લઠ્ઠાકાંડની ઘટના બની હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લામાં ચાર લોકોના શંકાસ્પદ મોત નિપજ્યાં છે. ખેડા જીલ્લાના બિલોદરા અને બગડું ગામમાં શંકાસ્પદ મોતથી વહીવટી તંત્ર દોડતું થયું છે. નડિયાદના બીલોદરા ગામે બે દિવસમાં 2 લોકોના શંકાસ્પદ મોત નિપજ્યાં છે.
ADVERTISEMENT
મહુધા તાલુકામાં લઠ્ઠાકાંડની આશંકા
મહુધા તાલુકાના બગડુ ગામે પણ 2 લોકોના શંકાસ્પદના મોત નિપજતા ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે પરિવારજનોનો દાવો છે કે, આ તમામ લોકો ઘરે આવ્યા બાદ તેમને માથામાં દુખાવો થયા લાગ્યો હતો. ત્યાર બાદ અચાનક પરસેવે રેબઝેબ થવા લાગ્યા હતા. અચાનક મોંમાંથી ફીણ આવી ગયા હતા. જેથી તત્કાલ તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા તમામ લોકોનાં મોત
જો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઇ જવાતા તમામને સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. જો કે સિવિલ હોસ્પિટલમાં તમામને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. જેના પગલે પરિવાર દ્વારા સમગ્ર મામલે હોબાળો મચાવ્યો હતો. પરિવાર જનોની માંગ હતી કે મૃતદેહનું નિષ્ણાંત લોકો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવે. હાલમાં એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
અધિકારીઓએ કોઇ પ્રકારની અધિકારીક પૃષ્ટિ કરવાનું ટાળ્યું
પાંચ વ્યક્તિઓના શંકાસ્પદ મોતોથી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે આ અંગે પોલીસ તંત્ર કે સ્થાનિક તંત્રએ ભેદી મૌન પાળ્યું છે. જો કે સ્થાનિકો અને પરિવારના લોકોનો આક્ષેપ છે કે, આ તમામ લોકોનાં મોત શંકાસ્પદ પીણું પીધા બાદ થયું છે. આ અંગે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરાવવામાં આવે તે ખુબ જ જરૂરી છે.
પોલીસ તંત્રનું પણ ભેદી મૌન
આ મોતથી લોકમુખે કથિત લઠ્ઠાકાંડની વાતો ચગડોળે ચઢતા મામલો ગરમાયો છે. જોકે પોલીસ સહિત તંત્ર પાસે આ બાબતે કોઈ નક્કર પુરાવા લાગ્યા ન હોવાનું જણાવ્યું છે. તમામ અધિકારીઓ માહિતી નહી હોવાની અથવા તો સરકારી જવાબ આપી રહ્યા છે. મૃતકના શબનું યોગ્ય દેખરેખ હેઠળ પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ થાય તો સમગ્ર હકીકત બહાર આવી શકે છે. જો કે હાલ તો તંત્ર મૌન છે. સમગ્ર મામલે પોસ્ટમોર્ટમ બાદ જ લઠ્ઠાકાંડ છે કે આ લોકોનાં મોત અન્ય કારણથી થયા તે અંગે સત્ય બહાર આવી શકે છે.
(વિથ ઇનપુટ હેતાલી શાહ)
ADVERTISEMENT