PM Modi in Jamnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. આજે ગુરુવારે તેઓ જામનગરમાં સભામાં પહોંચ્યા હતા. એક બાજુ ગુજરાતમાં રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ત્યારે જામનગરમાં વડાપ્રધાન ક્ષત્રિય સમાજને ખાસ સંદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
ક્ષત્રિય સમાજના બલિદાનને યાદ કર્યું
જામનગરમાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી હતા તે સમયનો કિસ્સો યાદ કરતા કહ્યું કે, મને ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા હતા. મને કોઈએ કાનમાં કહ્યું કે, અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ, પણ તમે નહીં આવો. અમારું કર્તવ્ય છે એટલે આવ્યા છીએ. કોઈ મુખ્યમંત્રી ન આવે. મેં પૂછ્યું કે કેમ ના આવે? તો કે અમે બધા મુખ્યમંત્રી ટ્રાય કર્યા છે. ત્યાં એવી માન્યતા છે કે, જ્યાં આટલા બધા વીરો શહીદ થયા-જેમના પાળિયા ત્યાં દેખાતા હોય, પૂજાતા હોય. ત્યાં ગુજરાતના મુખ્યમંત્રીના કાનમાં કોઈએ ભેરવી દીધું છે કે તમે ભૂચર મોરીને એનામાં જાવ તો તમે મુખ્યમંત્રી પદ તમારું જતું રહે. એટલા માટે એકેય મુખ્યમંત્રી આવતા નહોતા. મેં કહ્યું- મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે મારું મુખ્યમંત્રી પદ કંઈ નથી, અને હું કાર્યક્રમમાં આવ્યો.
જામ સાહેબે પહેરાવેલી પાઘડી પહેરી સભામાં પહોંચ્યા
આ સાથે જ વડાપ્રધાન સભામાં જામનગરના જામ સાહેબે પહેરાવેલી ખાસ પાઘડી પહેરીને પહોંચ્યા હતા. પાઘડીને જામ સાહેબનો પ્રસાદ ગણાવતા તેમણે કહ્યું કે, હું રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો. મારું સૌભાગ્ય છે કે મારા પર તેમનો અનન્ય પ્રેમ રહ્યો છે. જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કંઈ બાકી જ ન રહે. એટલે તો જામસાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે.
ADVERTISEMENT