Lok Sabha Election 2024: દેશમાં લોકસભાની ચૂંટણી આડે માત્ર થોડા મહિના જ બાકી છે. જેથી ભારતીય જનતા પાર્ટી (BJP) એક્ટિવ થઈ ગઈ છે. આ વખતે ભાજપની આગેવાની હેઠળના NDAને પડકારવા માટે ઈન્ડિયા ગઠબંધન ઊભું છે. આ મહાગઠબંધનમાં 28 વિપક્ષી પાર્ટીઓ સામેલ છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં શાનદાર પ્રદર્શન માટે ભારતીય જનતા પાર્ટી માસ્ટર પ્લાન તૈયાર કરી રહી છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે.
ADVERTISEMENT
આવતીકાલે ગુજરાત આવશે PM મોદી
ગુજરાતમાં 26 લોકસભાની સીટો છે અને ભાજપે વર્ષ 2014માં અને 2019ની ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી હતી. ગુજરાતમાં ત્રીજીવાર ક્લીન સ્વીપનો પ્લાન તૈયાર કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી 8 જાન્યુઆરીની રાત્રે ગાંધીનગર પહોંચશે અને લોકસભાની ચૂંટણીને લઈને મોટી બેઠક કરશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સહિત રાજ્યના સિનિયર ભાજપ નેતા પણ સામેલ થશે. આ બેઠકમાં ગુજરાતની તમામ 26 લોકસભા સીટો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને આગળનો પ્લાન તૈયાર કરવામાં આવશે.
ગુજરાતની લોકસભા સીટોને લઈને પ્લાન તૈયાર
ભાજપે પહેલા જ લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ ક્લસ્ટરના રૂપમાં તમામ લોકસભા સીટોને વહેંચી દીધી છે. ત્રણ લોકસભા સીટોનું એક ક્લસ્ટર બનાવવામાં આવ્યું છે, જેની જવાબદારી 3 પૂર્વ મંત્રીઓ સહિત 8 નેતાઓને સોંપવામાં આવી છે.
ઈન્ડિયા ગઠબંધન પણ એક્ટિવ
આપને જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણીને લઈને ઈન્ડિયા ગઠબંધન પણ એક્ટિવ થઈ ગયું છે. હાલમાં વિપક્ષી પાર્ટીઓમાં સીટોની વહેંચણીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ઈન્ડિયા ગઠબંધને કેન્દ્રમાં એનડીએને સત્તા પરથી હટાવવા માટે એક સીટ, એક ઉમેદવારની ફોર્મ્યુલા પર ચૂંટણી લડવાનો પ્લાન તૈયાર કર્યો છે. આ વચ્ચે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પણ શરૂ થવાની છે.
ADVERTISEMENT