PM Modi Exclusive: હું હથેળીમાં ચાંદ દેખાડનારો નહી કરી દેખાડનારો માણસ છું

અમદાવાદ : આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજની છે. જેને લઈ તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ટુડે સાથે એક્સક્લુઝિવ…

gujarattak
follow google news

અમદાવાદ : આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજની છે. જેને લઈ તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ટુડે સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જેમાં તેમને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.ઈન્ડિયા ટુડેના ગ્રુપ એડિટર-ઇન-ચીફ અને ચેરપર્સન અરુણ પુરી, વાઇસ ચેરપર્સન કાલી પુરી અને ગ્રુપ એડિટોરિયલ ડિરેક્ટર પબ્લિશિંગ રાજ ચેંગપ્પા સાથે પીએમ મોદીએ ખાસ વાતચીત કરી તમામ સવાલોના જવાબ આપ્યા હતા. ઈન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા પૂછાયેલ તમામ પ્રશ્નોનો પીએમ મોદીએ મુક્ત મને જવાબ આપ્યો હતો. જુઓ તેમને આગામી લોકસભા વિશે પૂછતાં શું જવાબ આપ્યો.

(1)તમારા કાર્યકાળમાં શું પડકારો રહ્યા

2023માં ભારતનો ઝડપી વિકાસ ખુબ જ મહત્વનો રહ્યો, કારણ કે તે અમારા વિકસિત ભારતના સુત્રને સાર્થક કરે છે. અમે દેશના નાગરિકોમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી સંભાવનાઓને ઉત્તેજીત કરી છે. વૈશ્વિક મંચો પર, ભારતની હાજરી અને યોગદાન હવે ખુબ જ મહત્વના બની ચુક્યા છે. જે દેશ એક સમયે ખુબ જ પછાત ગણાતો હતો તે દેશે હવે હરણફાળ ભરી છે.એક સમયે વૈશ્વિક મંચો પર પોતાનું સ્થાન શોધતો દેશ હવે વૈશ્વિક મંચોનું સંચાલન અને નેતૃત્વ કરતો તથા પોતાના પ્લેટફોર્મ બનાવતો દેશ બની ગયો છે.આજે સમગ્ર વિશ્વ માને છે કે, આ ભારતની ક્ષણ છે. વિશ્વનાં કોઇ પણ મહત્વના દોરીસંચારમાં ભારત એક અભિન્ન અંગ બની ચુક્યું છે.

(2) તમે એક અનોખા અભિગમ સાથે દેશની સંભાળી, કેટલાક ઉદહારણો દ્વારા સમજાવો

જવાબ : સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદાહરણ લો [ગુજરાતમાં]. જ્યારે મેં જાહેરાત કરી કે અમે 182 ફૂટની પ્રતિમા બનાવીશું, ત્યારે ઘણા વિરોધીઓએ તેને ગુજરાતની 182 વિધાનસભા સીટો સાથે જોડ્યું હતું. કેટલાક લોકોનું માનવું હતું કે, આ ચૂંટણી પહેલા એક ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે કરવામાં આવ્યું છે. પરંતુ હવે તમે જોઇ શકો છો કે, આ એક વિશાળ પ્રવાસન સ્થળ તરીકે વિકસી ચુક્યું છે. તમામ વય જૂથના અને વિવિધ રૂચી ધરાવતા લોકો માટે આ આકર્ષનું કેન્દ્ર બન્યું છે. આ ન માત્ર પ્રવાસન પરંતુ પ્રવાસની એક આખી ઇકો સિસ્ટમ ઉભી થઇ ચુકી છે. થોડા દિવસ પહેલા જ અહીં એક જ દિવસમાં 80,000 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી. દેશ વિદેશના લોકો અહીં આવી રહ્યા છે, આ SoU ની લોકપ્રિયતાનું સ્તર છે. મેં ફક્ત એક જ બાબતનું વચન આપ્યું હતું, પરંતુ મેં ત્યાં ડઝનથી પણ વધારે વસ્તુઓ પહોંચાડી છે. આ મારી કામ કરવાની શૈલી છે. જ્યારે ભારત મંડપમ પર કામ શરૂ થયું ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે અહીં G20 જેવી મોટી ઇવેન્ટનું આયોજન થશે. હું હંમેશા એક યોજના સાથે કામ કરુ છું. જો હું નવી સંસદની ઇમારત અથવા ગરીબો માટે 4 કરોડ ઘરો બનાવવા માટે કામ કરું તો હું તે જ આયોજન અને સમર્પણ સાથે કરું છું. જેટલું ધ્યાન મારુ સંસદના કામ પર હોય તેટલું જ સમાન ધ્યાન હું ગરીબના એક ઘર પર પણ આપુ છું.

(3) તમે સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન પણ સ્વચ્છતા જેવા પડકારજનક વિષયો કેમ પસંદ કરો છો?

હું હથેળીમાં ચાંદા દેખાડે તેવો વ્યક્તિ નથી. હું હંમેશા પડકારોનો સામનો કરવા માટે ટેવાયેલો છું. હું માખણમાં લકીર કરવાવાળો નહી પરંતુ પથ્થરમાં લકીર કરનારો વ્યક્તિ છું. હું હંમેશા માનુ છું કે, પડકાર હોય તો શું થયું શરૂઆત તો કરો. પડકારજનક કાર્યો કે જેનાથી અન્ય લોકો દુર ભાગતા હોય તેવા વિષયોને હું સૌથી પહેલા સ્પર્શું છું.

(4) તમે કેવી રીતે ખાતરી કરો છો કે ભારત 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બને અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બને?

અમારો ટ્રેક રેકોર્ડ પોતે જ બોલે છે. જ્યારે હું 2001માં ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ત્યારે તેની અર્થવ્યવસ્થાનું કદ લગભગ $26 બિલિયન (રૂ. 2.17 લાખ કરોડ) હતું. જ્યારે મેં વડાપ્રધાન બનવા માટે ગુજરાત છોડ્યું ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થાનું કદ $133.5 બિલિયન (રૂ. 11.1 લાખ કરોડ) થઈ ગયું હતું. અને વિવિધ નીતિઓ અને સુધારાઓના પરિણામે, આજે ગુજરાતની અર્થવ્યવસ્થા લગભગ $260 બિલિયન (રૂ. 21.6 લાખ કરોડ) છે. એ જ રીતે, જ્યારે હું 2014માં PM બન્યો ત્યારે ભારતની અર્થવ્યવસ્થાનું કદ $2 ટ્રિલિયન (રૂ. 167 લાખ કરોડ) હતું અને 2023-24ના અંતે ભારતની જીડીપી $3.75 ટ્રિલિયન (રૂ. 312 લાખ કરોડ) કરતાં વધુ હશે. તે 23 વર્ષનો આ ટ્રેક રેકોર્ડ છે જે દર્શાવે છે કે આ એક વાસ્તવિક લક્ષ્ય છે.

(5) વિપક્ષ કહે છે કે મોંઘવારી અને નોકરીઓનો અભાવ ગરીબોને નુકસાન પહોંચાડે છે. તમે આ ટીકાકારોને શું કહેશો?

ચાલો આરોપોને બાજુએ મૂકીએ અને હકીકતો પર ચર્ચા કરીએ. એક સદીમાં એક વખતના રોગચાળાના બે વર્ષ અને વૈશ્વિક સંઘર્ષો વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓને વિક્ષેપિત કરવા અને વિશ્વભરમાં મંદીના દબાણને પણ કારણભૂત હોવા છતાં, ભારતે નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. ભારે મતભેદો, વૈશ્વિક કટોકટી, સપ્લાય ચેઇન ભંગાણ અને મૂળભૂત વસ્તુઓના વૈશ્વિક ભાવોને અસર કરતા ભૌગોલિક રાજકીય તણાવ છતાં, 2014-15 થી 2023-24 (નવેમ્બર સુધી) સરેરાશ ફુગાવો માત્ર 5.1 ટકા હતો, જે અગાઉના 10 વર્ષોમાં 8.2 ટકા હતો. (2004-’14). જે વધુ છે, ફુગાવો 5.1 ટકા કે 8.2 ટકા?

(6) ભાજપે હાલમાં જીતેલા ત્રણ રાજ્યોમાં નવા ચહેરાઓ ઉતાર્યા છે? જ્યારથી તમે PM બન્યા ત્યારથી તમે નવા જ માપદંડો સેટ કર્યો છે? આની પાછળ તમાર કઇ વૈચારિક રણીનીતિ શું છે?

આ કોઈ નવો ટ્રેન્ડ નથી. આ જ ભાજપની લોકશાહીનો પરિચય છે જેનું હું શ્રેષ્ઠ ઉદાહરણ છું. જ્યારે હું ગુજરાતનો સીએમ બન્યો ત્યારે મારી પાસે અગાઉનો કોઈ વહીવટી અનુભવ નહોતો અને હું વિધાનસભામાં પણ ચૂંટાયેલો નહોતો. હા કદાચ તે કદાચ દેશને નવું વલણ લાગી શકે કારણ કે આઝાદી બાદથી અત્યાર સુધી દેશે માત્ર પરિવારવાદ જ જોયો છે. જ્યાં પિતા પોતાના પુત્રને અથવા પરિવારને ગાદી સોંપતા હોય છે. પરંતુ ભાજપ પરિવારવાદથી હંમેશા દુર રહેલી પાર્ટી છે. જેના કારણે જ યુવાનો ભાજપ સાથે જોડાઇ રહ્યા છે. કારણ કે અહીં તમારી જાતી કે તમારા પિતાનું પદ જોઇને નહી તમારી પ્રતિભા જોઇને તમને પદ મળે છે.

(7) કહેવાતી પરિવારવાદી પાર્ટીથી ભાજપ કઈ રીતે અલગ છે ?

પરિવારવાદી પક્ષો માટે લોકશાહીની પરિભાષા સમજવી મુશ્કેલી છે. ભાજપ પાસે એક જ સમયે અલગ-અલગ પેઢીઓના નેતૃત્વને ઉછેરવાની તાકાત છે. ભાજપના અત્યાર સુધીના પ્રમુખ પર નજર કરશો તો તમને દર થોડા વર્ષોએ નવા ચહેરા જોવા મળશે. અમારો કેડર-આધારિત પક્ષ છે જે સ્પષ્ટ મિશન દ્વારા સંચાલિત છે. અમે તમામ પાયાના કાર્યકર્તાઓ તરીકે શરૂઆત કરી અને સમર્પણ અને સખત મહેનતના આધારે રેન્કમાંથી આગળ વધ્યા. આ પ્રતિબદ્ધતાને કારણે દેશ, ખાસ કરીને યુવા વર્ગ ભાજપ સાથે જોડાયેલો અનુભવે છે. લોકશાહીમાં નવી પેઢીને તકો પૂરી પાડવી ખુબ જરૂરી છે. આ લોકશાહીનું મંથન જ લોકશાહીને વાઈબ્રેન્ટ બનાવે છે. આ મંથન જ અમારા પક્ષને ગતિશીલ બનાવે છે અને કાર્યકર્તાઓમાં આકાંક્ષાઓ અને આશાઓને સળગતી રાખે છે. યુવાઓને લાગે છે કે તેઓ પણ તેમની મહેનતથી પાર્ટીમાં ઉભરી શકે છે. અમારી પાર્ટીને અલગ-અલગ પ્રયોગો કરવાની આદત છે. ગુજરાતમાં, અમે મંત્રાલયોમાં તમામ નવા ચહેરાઓને પસંદ કર્યા છે. દિલ્હીમાં અમે સ્થાનિક કોર્પોરેશનની ચૂંટણીમાં તમામ નવા ચહેરાઓને પસંદ કર્યા.

(8) દક્ષિણ અને પૂર્વના કોઈપણ મોટા રાજ્યમાં ભાજપનું શાસન નથી. ખરા અર્થમાં પેન-ઈન્ડિયા પાર્ટી બનવા માટે ભાજપનો ગેમપ્લાન શું છે?

આ એક ખોટું મૂલ્યાંકન છે. ભાજપની સ્થાપના સમયથી અમે કોણ છીએ અને અમે કોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ તેના પર આવા કાલ્પનિક અભિપ્રાયો સાંભળતા આવ્યા છીએ. કેટલીકવાર અમને બ્રાહ્મણ-વાણિયા પાર્ટી તરીકે લેબલ કરવામાં આવી તો ક્યારેક એવી પાર્ટી તરીકે જે માત્ર હિન્દી બેલ્ટમાં કાર્યરત છે. અમને એવી પાર્ટીનું પણ લેબલ લગાવવામાં આવ્યું કે જેને માત્ર શહેરોમાં જ સમર્થન છે. જો કે એક બાદ એક આવેલી ચૂંટણીઓમાં અમે આ તમામ લેબલોને ખોટા સાબિત કર્યા છે.

(9) 2024 માટે ‘મોદીની ગેરેન્ટી’ શું છે ?

મારી માટે ગેરેન્ટી માત્ર શબ્દો કે ચૂંટણી વાયદાઓ નથી તે દશકોના પરિશ્રમનું પરિણામ છે. ગેરેન્ટી સમાજ પ્રત્યેની સંવેદનશીલતાની અભિવ્યક્તિ છે. જ્યારે હું ‘ગેરંટી’ વિશે વાત કરું છું, ત્યારે હું મારી જાતને તેની સાથે જોડું છું. તે મને ઊંઘવા નથી દેતી, તે મને વધુ મહેનત કરવા માટે પ્રેરિત કરે છે. તે મને દેશના લોકો માટે મારું સર્વસ્વ આપવા તરફ દોરી જાય છે. તેથી મહેરબાની કરીને શબ્દકોશમાં ગેરંટીનો અર્થ શોધશો નહીં.

(10) શું તમને 2024માં હેટ્રિક ફટકારવાનો વિશ્વાસ છે? કયા મોટા મુદ્દા છે જે આ લોકસભા ચૂંટણીનું પરિણામ નક્કી કરશે?

2024ની વાત કરીએ તો તે મારા આત્મવિશ્વાસનો પ્રશ્ન નથી. મારા હાથમાં એક જ વસ્તુ છે કે હું મારું સર્વસ્વ પ્રજાની સેવામાં આપી દઉં. હું ખૂબ જ પ્રામાણિકતા અને પ્રતિબદ્ધતા સાથે આ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. પરંતુ આજે લોકો, નિષ્ણાતો, ઓપિનીયન આપનારાઓ અને મીડિયાના મિત્રોમાં પણ એક ચર્ચા છે કે આપણા દેશને મિલી-જુલી સરકારની જરૂર નથી. મિલી-જુલી સરકારની અસ્થિરતાના કારણે આપણે 30 વર્ષ ગુમાવ્યાં છે. મિલી-જુલી સરકારના જમાનામાં લોકોએ શાસનનો અભાવ, તુષ્ટિકરણનું રાજકારણ, ભ્રષ્ટાચાર જોયો છે. તેના કારણે લોકોમાં આશાવાદ અને આત્મવિશ્વાસ ઘટી ગયો અને વિશ્વમાં ભારતની ખરાબ છબી ઉભી થઈ. તેથી સ્વાભાવિક રીતે જ લોકોની પસંદગી ભાજપ છે.

(11) આપણા પાડોશીઓ, ખાસ કરીને પાકિસ્તાન અને ચીન સાથેના વ્યવહાર વિશે શું કહેશો?

આપણા પડોશીઓ સાથે વ્યવહાર કરવાની મોદી રીત એ છે કે જ્યારે જરૂર પડે ત્યારે રચનાત્મક અને સહયોગી બનવું અને જરૂર પડે ત્યારે મક્કમ અને અડગ રહેવું. પહેલ અને પડકારો બંને પર તમે ભૂતકાળ સાથેનો તફાવત જોઈ શકો છો.

(12) આવનારા નવા વર્ષ માટે તમારું વિશ-લિસ્ટ શું છે?

હું એવી વ્યક્તિ નથી કે જે વિશ-લિસ્ટમાં વિશ્વાસ રાખતો હોય, પણ હું એવી વ્યક્તિ છું જે વર્ક-લિસ્ટમાં માને છે.

    follow whatsapp