ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને વડાપ્રધાન મોદીથી માંડીને મોટા નેતાઓ પ્રચાર માટે ગુજરાતમાં યાયાવર પક્ષીઓની જેમ આવતા જતા રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં સભાને સંબોધિત કર્યા બાદ રાત્રિ રોકાણ માટે રાજ ભવન જાય તે પહેલા તેમણે કમલમની મુલાકાત લીધી હતી. તેઓ રાજભવન જતા પહેલા સીધા અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે બેઠક યોજી હતી.
ADVERTISEMENT
ભાજપના પ્રવક્તા ડો. અનિલ પટેલે જો કે પીએમની આ મુલાકાતને ઔપચારિક ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ એક ઔપચારિક મિટિંગ હતી. કમલમમાં વડાપ્રધાને આવીને હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ઔપચારિક મુલાકાત કરી હતી. વડાપ્રધાન કાર્યકરો સાથે કમલમના ચોકમાં બેઠા હતા. પીએમની સાથે સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ બેઠા હતા.
જો કે આ બેઠકમાં પીએમનો કાર્યકર્તાઓ પ્રત્યેનો સ્નેહ છલકાયો હતો. નાનાથી માંડીને મોટા કાર્યકર્તા અને કમલમમાં કામ કરતા કર્મચારીઓ અને તેમના પરિવારના સ્વાસ્થય અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને સમગ્ર કાર્યાલયની કામગીરી અંગે પણ સમીક્ષા કરી હતી. આ ઉપરાંત સાહિત્ય સહિતના અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. જાણે કે એક જ પરિવાર હોય તેમ ખુબ જ પોતિકાપણાથી દરેક કાર્યકર્તા સાથે વાત કરી હતી.
જો કે આ અંગે, અનિલ પટેલે જણાવ્યું કે, કાર્યકરોએ ચૂંટણી કાર્યમાં થાક ન લાગતો હોવાનું જણાવ્યું હતું. ત્યારે કાર્યાલયના સ્ટાફને ભેગો કરી વડાપ્રધાને તેમની સાથે કમલમના ચોકમાં વાત કરતા જુના કાર્યકરોને તેમના નામ સાથે બોલાવી તેમની વર્તમાન સ્થિતિ અંગે પૂછ્યું હતું. આ ઉપરાંત કાર્યકર્તાઓના કામથી માંડીને ભોજન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ગાંધીનગર કમલમ ખાતે મુખ્યમંત્રી અને સીઆર પાટીલે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના આગમન પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ મોટા નેતાઓ કમલમ ખાતે હાજર થયા હતા. ભાજપના આ તમામ મોટા નેતાઓ સાથે પીએમ મોદી ચૂંટણી અંગે કેટલીક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક બાદ તેઓ પીએમ મોદી રાત્રિ રોકાણ માટે રાજ ભવન જવા રવાના થયા હતા.
ADVERTISEMENT