દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા તાલુકાના ભાળથરમાં આજે બુધવારે બે જુથો વચ્ચે મારામારી થઈ હતી. હથિયારો સાથે બંને જુથો વચ્ચે થયેલી મારામારીમાં બે રાઉન્ડ ફાયરિંગ થતાં વિસ્તારમાં ભારે તંગદીલી સર્જાઈ હતી. ફાયરિંગ અને મારામારીની ઘટના સંદર્ભની જાણકારી મળતા પોલીસ તાત્કાલીક સ્થળ પર દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
દ્વારકાના ભાળાથરમાં બે જુથ વચ્ચે મારામારી
દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા તાલુકામાં આવેલા ભાળથર ખાતે આજે બુધવારે બે જુથના લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. પોલીસને મળેલી પ્રારંભિક માહિતી પ્રમાણે આ જુથ અથડામળ અંગત અદાવતને કારણે થઈ હતી. જોકે આ ઘટનામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ભાળથર ખાતે બે જુથો વચ્ચે પાઈપ, ધોકા અને અન્ય હથિયારો સાથે મારામારી થઈ હતી. આ મારામારી દરમિયાન બે રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની પણ વિગતો સામે આવી રહી છે.
5થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા, પોલીસનો ખડકલો
મારામારીની આ ઘટનામાં કુલ 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગની ઘટનાની માહિતી મળતા પોલીસ પણ કાફલા સાથે સ્થળ પર દોડી આવી હતી. પોલીસે હાલ સ્થિતિ કાબુમાં કરી લીધી છે જોકે અહીં તંગદીલી અને નારાજગીનો માહોલ યથાવત છે. પોલીસે આ મામલાની વધુ કાર્યવાહી હાથ ધરી છે જેને લઈ આગામી સમયમાં ધરપકડનો દૌર શરૂ થાય તો નવાઈ નહીં.
(વિથ ઇનપુટ રજનીકાંત જોશી)
ADVERTISEMENT